અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ DGCAએ (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) એર ઇન્ડિયાને આદેશ આપીને એરલાઈન્સના ત્રણ વરિષ્ઠ અધિકારીઓને જવાબદારીમાંથી હટાવવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય અધિકારીઓની કાર્યમાં અનિયમિતતા, બેદરકારી અને નિયમોના ઉલ્લંઘનને ધ્યાને રાખીને લેવામાં આવ્યો હોવાનું કહેવાય રહ્યું છે.
DGCAએ તારીખ 20 જૂન 2025ના રોજ ટાટા જૂથની એર ઇન્ડિયાને તેના ત્રણ વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક ધોરણે જવાબદારીમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ અધિકારીમાં ચૂરા સિંહ-ડિવિઝનલ વાઇસ પ્રેસિડેન્ટ, પિંકી મિત્તલ- ડિરેક્ટોરેટ ઓફ ઓપરેશન્સ, ક્રૂ શેડ્યુલિંગમાં ચીફ મેનેજર અને પાયલ અરોડા, ક્રૂ શેડ્યુલિંગ-પ્લાનિંગનો સમાવેશ થાય છે.
DGCAએ એર ઇન્ડિયાને આદેશ આપ્યો છે કે સંબધિત જવાબદાર અધિકારીઓ પર ત્વરિત એક્શન લઈને 10 દિવસમાં તેનો રિપોર્ટ સોપવામાં આવે. ત્રણેય અધિકારીઓ પર કાર્યમાં અનિયમિતા, ફરજિયાત લાઇસન્સિંગ અને રીસેન્સી નિયમોનું ઉલ્લંઘન તથા શેડ્યુલિંગ પ્રોટોકોલ અને મોનિટરિંગમાં વારંવાર થતી બેદરકારી જેવા આરોપો લાગ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ઘટેલી એર ઇન્ડિયાના પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ આ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં વિમાનમાં સવાર કુલ 242 યાત્રીઓમાંથી 241નાં મોત થયાં હતાં.