મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હશે. બુધવારે (4 ડિસેમ્બર) મળેલી ધારાસભ્યોની બેઠકમાં સર્વસંમતિથી તેમના નામ પર મહોર મારવામાં આવી હતી.
ધારાસભ્યોની બેઠક પહેલાં મુંબઈમાં ભારતીય જનતા પાર્ટીની કોર કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં ફડણવીસનું નામ મુખ્યમંત્રી તરીકે નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધારાસભ્યોની બેઠકમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સહમતિ મળી હતી. બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ મોકલેલા બે નિરીક્ષકો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામન પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
બેઠકમાં ભાજપ નેતા સુધીર મુંગટીવાર અને ચંદ્રકાંત પાટીલે દેવેન્દ્ર ફડણવીસના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્યારબાદ પંકજા મુંડે, રવિન્દ્ર ચવ્હાણ સહિતના નેતાઓએ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. અંતે વિજય રૂપાણીએ દેવેન્દ્ર ફડણવીસના નામની આધિકારિક ઘોષણા કરી હતી.
હવે દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કરશે અને 5 ડિસેમ્બરના રોજ શપથગ્રહણ કરશે. શપથગ્રહણ મુંબઈના આઝાદ મેદાનમાં 5 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યે યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે.