Monday, April 14, 2025
More

    ‘પરંપરાગત ભારતીય જ્ઞાનનો ઉપયોગ કરીને થર્મલ સ્ટ્રેસ કંટ્રોલનો અભ્યાસ’: દિલ્હી યુનિવર્સિટીની લક્ષ્મીબાઈ કોલેજના પ્રિન્સિપાલે ક્લાસની દિવાલો પર લીંપ્યું ગાયનું છાણ

    દિલ્હી યુનિવર્સિટીની (Delhi University) લક્ષ્મીબાઈ કોલેજના પ્રિન્સિપાલનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તે ક્લાસની દિવાલો પર ગાયનું છાણ (Cow Dung) લગાવતી જોવા મળી રહ્યા છે. પ્રિન્સિપાલ પ્રત્યુષ વત્સલાએ જણાવ્યું હતું કે આ કાર્ય એક ફેકલ્ટી સભ્ય દ્વારા શરૂ કરાયેલા સંશોધન પ્રોજેક્ટનો એક ભાગ હતો.

    આ મામલે તેમણે કહ્યું હતું કે, વર્ગખંડને ઠંડા રાખવા માટે સ્વદેશી પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટનું નામ “પરંપરાગત ભારતીય જ્ઞાનનો ઉપયોગ કરીને થર્મલ સ્ટ્રેસ કંટ્રોલનો અભ્યાસ” છે. પ્રત્યુષે પોતે આ વિડીયો કોલેજના શિક્ષકો સાથે શેર કર્યો છે.

    તેમણે કહ્યું, “તેની પ્રક્રિયા ચાલી રહી છે. હું એક અઠવાડિયા પછી સમગ્ર સંશોધનની વિગતો શેર કરી શકીશ. આ સંશોધન ‘પોર્ટા કેબિન’માં થઈ રહ્યું છે. તેમાંથી એકમાં મેં પોતે જ લેપ લગાવ્યો છે કારણ કે કુદરતી માટીને સ્પર્શ કરવાથી કોઈ નુકસાન થતું નથી. કેટલાક લોકો સંપૂર્ણ માહિતી વિના ખોટી માહિતી ફેલાવી રહ્યા છે.”

    વાયરલ વિડીયોમાં તે કોલેજ સ્ટાફની મદદથી વર્ગખંડની દિવાલો પર ગાયનું છાણ લગાવતા જોવા મળી રહ્યા છે. આ સિવાય એવો મેસેજ પણ લખવામાં આવ્યો છે કે, “જેમના અહીં વર્ગો છે તેમને ટૂંક સમયમાં આ રૂમ નવા સ્વરૂપમાં મળશે. તમારા શિક્ષણ અનુભવને સુખદ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.”