Friday, December 27, 2024
More

    AAP ધારાસભ્ય નરેશ બાલિયાનને ખંડણીના કેસમાં જામીન, પણ પોલીસે ફરી કરી લીધી ધરપકડ: હવે MCOCA કેસમાં કાર્યવાહી

    ખંડણીના કેસમાં પકડાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલિયાનને કોર્ટે જામીન આપી દીધા હતા. પરંતુ તેમની મુશ્કેલીઓ ઓછી થઈ નથી. કારણ કે પોલીસે તેમની કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (MCOCA) હેઠળ નોંધાયેલા ગુનામાં ધરપકડ કરી લીધી છે.

    અગાઉના ખંડણી કેસમાં રિમાન્ડ પૂર્ણ થયા બાદ બાલિયાનને બુધવારે (4 ડિસેમ્બર) ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે તેમની જામીન અરજી મંજૂર કરી હતી. પરંતુ આ દરમિયાન સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરે કોર્ટને જણાવ્યું હતું કે, પોલીસ બાલિયાનની એક મકોકા કેસમાં પણ ધરપકડ કરશે.

    શનિવારે રાત્રે બાલિયાનની ધરપકડ બાદ રવિવારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે 2 દિવસની કસ્ટડી મંજૂર કરી હતી. ત્યારબાદ મંગળવારે રજૂ કરવામાં આવતાં ફરી 1 દિવસની કસ્ટડી લંબાવવામાં આવી હતી. મંગળવારે જ AAP ધારાસભ્યે એક જામીન અરજી પણ મૂકી હતી. 

    દિલ્હી પોલીસે કોર્ટને વિનંતી કરી હતી કે બાલિયાનને જ્યુડિશિયલ કસ્ટડીમાં (જેલમાં) મોકલી આપવામાં આવે. બીજી તરફ, તેઓ મકોકાની FIRમાં રિમાન્ડ માટેની માંગણી કરશે.