Sunday, March 16, 2025
More

    ક્રાઇમ બ્રાન્ચ પર હુમલો-હત્યાના પ્રયાસના આરોપી શાબાઝને કસ્ટડીમાંથી છોડાવી ગયા અમાનતુલ્લાહ ખાનના સમર્થકો: AAP નેતા વિરુદ્ધ વધુ એક FIR, શોધી રહી છે પોલીસ

    આમ આદમી પાર્ટીના (AAP) નેતા અમાનતુલ્લાહ ખાન વિરુદ્ધ વધુ એક FIR નોંધવામાં આવી છે. તેમના પર આરોપ છે કે, તેમણે પોલીસના કામમાં અડચણ ઊભી કરી છે અને તેમના સમર્થકોએ ક્રાઇમ બ્રાન્ચ પર હુમલા અને હત્યાના પ્રયાસના આરોપીને ફરાર કરી દીધો છે. માહિતી અનુસાર, અમાનતુલ્લાહ ખાનના સમર્થકો આરોપીને પોલીસ કસ્ટડીમાંથી છોડાવીને લઈને ગયા છે.

    માહિતી અનુસાર, કરનીં બ્રાન્ચના ઇન્સ્પેકટર સુનિલ કાલખંડેની ટીમ પર હુમલો કરી હત્યાના પ્રયાસના આરોપીને ફરાર કરી દેવામાં આવ્યો છે. વિગતો મુજબ, જામિયા નગર વિસ્તારમાં પોલીસ આરોપીને પકડવા માટે ગઈ હતી. તે જ સમયે AAP ધારસભ્ય અમાનતુલ્લાહ ખાનના સમર્થકોએ પોલીસ સાથે ધક્કા-મુક્કી કરી અને આરોપીને ફરાર કરાવી દીધો. આ મામલે હવે દિલ્હી પોલીસે અમાનતુલ્લાહ ખાન વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

    આ ઘટના સમયે અમાનતુલ્લાહ ખાન પણ ઘટનાસ્થળે હાજર હતા. આ દરમિયાન જ પોલીસના કામમાં અડચણ ઊભી કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમ શાબાઝ ખાન નામના આરોપીને પકડવા માટે ગઈ હતી અને પોલીસે તેને કસ્ટડીમાં લઈ પણ લીધો હતો. તે જ સમયે અમાનતુલ્લાહ ખાનના સમર્થકો તેને છોડાવી ગયા હતા. હાલ પોલીસ અમાનતુલ્લાહ ખાનને શોધી રહી હોવાનું કહેવાય રહ્યું છે.