Tuesday, March 11, 2025
More

    દિલ્હીમાં નવા સીએમની પસંદગીમાં થશે વિલંબ, પીએમ મોદીની US યાત્રા બાદ થશે શપથગ્રહણ: ભવ્ય કાર્યક્રમ યોજવાની તૈયારી

    દિલ્હીમાં ભાજપે 48 બેઠકો જીતતાની સાથે જ 27 વર્ષ બાદ ભવ્ય વાપસી કરી છે. ત્યારે હવે દિલ્હી સરકારની રચના અને મુખ્યમંત્રી ચહેરાને લઈને પણ ચર્ચાઓ વધી ગઈ છે. જોકે, જાણવા એવું મળી રહ્યું છે કે, 13 ફેબ્રુઆરી બાદ જ દિલ્હીના નવા મુખ્યમંત્રી શપથ લેશે. આવું કરવા પાછળનું કારણ વડાપ્રધાન મોદીની અમેરિકી યાત્રા છે.

    મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, PM મોદી 10થી 13 ફેબ્રુઆરી સુધી ફ્રાંસ અને અમેરિકાની યાત્રા પર રહેશે. બીજી તરફ ભાજપ એવું ઈચ્છે છે કે, દિલ્હીમાં 27 વર્ષ બાદ સરકાર બનવા જઈ રહી છે તો તે સમયે PM મોદી હાજર રહે તે જરૂરી છે. તેથી શપથગ્રહણ સમારોહ 13 ફેબ્રુઆરી બાદ યોજાય તેવી તીવ્ર સંભાવના છે.

    ભાજપે મુખ્યમંત્રી ચેહરાને લઈને મંથન શરૂ કરી દીધું છે. શનિવારે ચૂંટણી જીત્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડાએ બેઠક પણ કરી હતી. આ ઉપરાંત વડાપ્રધાન મોદી સાથે પણ આ અંગે વાતચીત કરવામાં આવી હતી. તે સિવાય દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ દિલ્હીના તમામ નિર્વાચીત સભ્યોની બેઠક પણ બોલાવી છે. સાથે કહેવાય રહ્યું છે કે, શપથગ્રહણ સમારોહમાં NDAના મોટા નેતાઓ પણ સામેલ હશે.