Friday, December 6, 2024
More

    ‘પૂર્વ સીએમ કરતાં તો હજાર ગણાં સારાં છે’: દિલ્હી એલજીએ આતિશીની પ્રશંસા કરતાં કેજરીવાલ પર કર્યો કટાક્ષ

    દિલ્હીના ઉપરાજ્યપાલ (Delhi LG) વિનય કુમાર સક્સેનાએ તાજેતરમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે મુખ્યમંત્રી આતિશીની (Atishi) પ્રશંસા કરી, પણ સાથે-સાથે એ જ વાક્યમાં અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ પણ કર્યો હતો. 

    એલજીએ કહ્યું કે, સીએમ તેમના પુરોગામી કરતાં હજાર ગણાં સારાં છે. 

    શુક્રવારે (22 નવેમ્બર) એલજી સક્સેના ઇન્દિરા ગાંધી દિલ્હી મહિલા તકનીકી વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સીએમ આતિશીએ પણ હાજરી આપી હતી. 

    અહીં સંબોધન કરતી વખતે એલજીએ કહ્યું કે, “મને આનંદ એ વાતનો છે કે આજે દિલ્હીનાં મુખ્યમંત્રી છે. અને હું વિશ્વાસ સાથે કહી શકું છું કે તેઓ તેમના પુરોગામી કરતાં હજાર ગણાં વધુ સારાં છે.”

    તેઓ નામ લીધા વગર અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કરી રહ્યા હતા, જેઓ થોડા મહિના પહેલાં રાજીનામું આપ્યું ત્યાં સુધી દિલ્હીના મુખ્યમંત્રી હતા. કેજરીવાલે કામ ઓછું અને એલજી સાથે નાની-મોટી વાતોને લઈને બાખડવામાં જ મોટાભાગનો સમય પસાર કર્યો હતો.