દિલ્હી હાઇકોર્ટે શુક્રવારે (24 જાન્યુઆરી) એક ચુકાદો આપતાં CAG રિપોર્ટ રજૂ કરવા માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી. બીજી તરફ, કોર્ટે દિલ્હીની આમ આદમી પાર્ટી પર રિપોર્ટ રજૂ કરવામાં વિલંબ કરવા મામલે સવાલ ઉઠાવ્યા હતા.
જસ્ટિસ સચિન દત્તાની બેન્ચે અરજી ફગાવતાં કહ્યું કે, રિપોર્ટ રજૂ કરવા માટે વિશેષ સત્ર બોલાવવાની માંગ સ્વીકારવા કોર્ટ તૈયાર નથી.
નોંધવું જોઈએ કે આ મામલે ડિસેમ્બર, 2024માં ભાજપના ધારાસભ્યોએ કોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી હતી કે દિલ્હી સરકાર પરના CAG રિપોર્ટ રજૂ કરવા માટે વિધાનસભાનું એક વિશેષ સત્ર બોલાવવામાં આવે.
આ માંગનો દિલ્હી સરકાર અને વિધાનસભા સ્પીકરે વિરોધ કરીને એવી દલીલ આપી હતી કે ચૂંટણી પહેલાં જ આ રિપોર્ટ રજૂ કરવાની કોઈ ઉતાવળ નથી અને વિધાનસભાનો કાર્યકાળ ફેબ્રુઆરીમાં પૂર્ણ થઈ રહ્યો છે. સાથે એવી પણ દલીલ કરી હતી કે આ મામલો વિધાનસભાનો આંતરિક મામલો છે.
નોંધવું જોઈએ કે CAGના જ એક રિપોર્ટમાં સામે આવ્યું હતું કે કેજરીવાલના નિવાસસ્થાન, જેને શીશમહેલ તરીકે ઓળખવામાં આવે છે, પર પહેલાં ₹7 કરોડ ફાળવવામાં આવ્યા બાદ ખર્ચ અંતે ₹33 કરોડ સુધી પહોંચી ગયો હતો. અન્ય એક રિપોર્ટમાં એક્સાઇઝ પોલિસીના કારણે દિલ્હીને કેટલું મોટું નુકસાન થયું તેની વિગતો છે.
દિલ્હી સરકાર આ રિપોર્ટ રજૂ કરી રહી નથી. જેની નોંધ હાઇકોર્ટે પણ લીધી હતી અને 13 જાન્યુઆરીના રોજ સુનાવણીમાં કહ્યું હતું કે, રિપોર્ટ તરત જ રજૂ થઈ જવા જોઈતા હતા અને સરકાર આ બાબતે પીછેહઠ કરી રહી છે. 16 જાન્યુઆરીએ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો, જે 24મીએ જાહેર કરવામાં આવ્યો.