દિલ્હી હાઇકોર્ટે RJD પ્રમુખ અને પૂર્વ રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવની એ અરજી ફગાવી દીધી છે, જેમાં ‘લેન્ડ ફૉર જોબ’ કૌભાંડ મામલે નીચલી અદાલતની કાર્યવાહી પર રોક લગાવવાની માંગણી કરવામાં આવી હતી. આ કૌભાંડની તપાસ ED અને CBI કરી રહી છે. RJD સુપ્રીમો લાલુ યાદવ તરફથી હાજર વકીલ કપિલ સિબ્બલે અરજીમાં કહ્યું હતું કે, આ કેસમાં FIR અને તપાસ કાનૂનસંગત નથી.
વધુમાં એવી દલીલ પણ કરવામાં આવી હતી કે, જો FIR અને તપાસ જ યોગ્ય નથી તો ચાર્જશીટ કાયદેસર રીતે ટકી શકે નહીં. આ કેસમાં CBI ભ્રષ્ટાચાર અધિનિયમની કલમ 17A હેઠળ પૂર્વ કેન્દ્રીય મંત્રી વિરુદ્ધ કેસ ચલાવવાની પૂર્વ મંજૂરી પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહી છે. તે કાનૂનની અનિવાર્ય આવશ્યકતા છે. જોકે, CBI તરફથી હાજર વકીલ ડીપી સિંઘે અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર વિરોધી કાયદાની કલમ 19 હેઠળ જરૂરી મંજૂરી પણ મેળવી લેવામાં આવી છે.
આ કેસમાં લાલુ યાદવ અને પરિવાર પર આરોપ છે કે, તેમણે ઉમેદવારો અથવા તો પોતાના સંબંધીઓને જમીનના બદલે રેલવેમાં નોકરી અપાવી હતી. આ મામલે લાલુ યાદવ, તેમના પત્ની રાબડી દેવી, બે દીકરીઓ, અજ્ઞાત સરકારી અધિકારીઓ અને અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ 18 મે, 2022ના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હવે 2 જૂનના રોજ નીચલી અદાલતમાં આ આરોપોને લઈને સુનાવણી થશે.