Friday, April 25, 2025
More

    દિલ્હી સરકાર કેજરીવાલના કાર્યકાળમાં લાગેલ 2.60 લાખ CCTV કેમેરાનું કરશે ઓડિટ: 2 મહિનામાં રિપોર્ટ સબમિટ થાય એવી સંભાવના

    ભાજપના રેખા ગુપ્તાના (Rekha Gupta) નેતૃત્વ હેઠળની દિલ્હી સરકાર અગાઉના AAP શાસન દરમિયાન જાહેર બાંધકામ વિભાગ (PWD) દ્વારા સ્થાપિત 2,60,000થી વધુ CCTV કેમેરાનું ઓડિટ (CCTV Camera Audit) કરવાની યોજના ધરાવે છે. એવું સામે આવ્યું હતું કે જે 8 વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના ધારાસભ્યો હતો ત્યાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા નહોતા, આ બાબત સામે આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.

    અહેવાલ અનુસાર PWDએ દિલ્હીના વિવિધ વિસ્તારોમાં 2.80 લાખ CCTV કેમેરા લગાવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. હાલમાં, દિલ્હીના વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાં 2.63 લાખ કેમેરા લગાવવામાં આવ્યા હોવાનો રેકોર્ડ છે. PWDના મુખ્ય સચિવે આ તમામ CCTV કેમેરાના ફિઝિકલ વેરિફિકેશન અને તેમની કાર્યાત્મક સ્થિતિ અંગે ઓડિટ રિપોર્ટ માંગ્યો છે.

    એક અધિકારીએ જણાવ્યું હતું કે જ્યાં પણ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે, ત્યાં ફિઝિકલ વેરિફિકેશનથી તેમની ગણતરી કરવામાં પણ મદદ મળશે અને કેમેરા કામ કરી રહ્યા છે કે નહીં તે પણ તપાસવામાં આવશે.

    આ સમયગાળા દરમિયાન, કેમેરાની ઈમેજ ક્વોલિટી, તેમના કવરેજ એરિયા અને તેઓ અન્ય સર્વેલન્સ સિસ્ટમ્સ સાથે ઈન્ટીગ્રેશન થયા છે કે નહીં તે પણ તપાસવામાં આવશે. IT ફર્મની પસંદગી પછી બે મહિનામાં ઓડિટ રિપોર્ટ તૈયાર થવાની અપેક્ષા છે.