Saturday, July 12, 2025
More

    જૂનાં વાહનો માટે ફ્યુલ બૅનના નિર્ણયના અમલીકરણ પર દિલ્હી સરકારની રોક

    10 વર્ષથી જૂનાં ડીઝલ વાહનો અને 15 વર્ષથી જૂનાં પેટ્રોલ વાહનોને ઈંધણ ન આપવાના નિર્ણય પર દિલ્હી સરકારે હાલ રોક લગાવી છે. પર્યાવરણ મંત્રી મનજિંદર સિંઘ સિરસાએ કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટને એક પત્ર લખીને આ નિયમના અમલીકરણ પર રોક લગાવવા માટે નિર્દેશ આપ્યા હતા. 

    મંત્રીએ પત્રમાં કહ્યું કે, ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન સિસ્ટમ સમગ્ર NCRમાં લાગુ કરી દેવામાં ન આવે ત્યાં સુધી આ નિયમના અમલીકરણ પર તાત્કાલિક રીતે રોક લગાવવામાં આવે. સરકારે જણાવ્યું છે કે અમુક તકનીકી પડકારો અને જટિલ સિસ્ટમના કારણે ઉંમર ઓવરએજ વાહનો પર તાત્કાલિક અસરથી ફ્યુલ બૅન મૂકવો શક્ય નથી. 

    પ્રેસ કૉન્ફરન્સમાં મંત્રી સિરસાએ કહ્યું કે લોકો નિર્ણયથી નારાજ હતા અને સરકાર તેમની સાથે છે. 

    ઉલ્લેખનીય છે કે ગત એપ્રિલમાં CAQMએ નિર્દેશો જારી કરીને જણાવ્યું હતું કે 1 જુલાઈથી ઓવરએજ વાહનોને ઈંધણ આપવામાં ન આવે. જેમાં 10 વર્ષથી જૂનાં ડીઝલ વાહનો અને 15 વર્ષથી જૂનાં પેટ્રોલ વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અધિકારીક રેકોર્ડ અનુસાર, દિલ્હીમાં 60 લાખથી વધુ આવાં વાહનો છે. 

    ત્યારબાદ 1 જુલાઈથી તેનો અમલ પણ શરૂ થયો હતો, પરંતુ ત્યારથી સતત સોશિયલ મીડિયા પર તેનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. હવે સરકારે નિર્ણયના અમલ પર રોક લગાવી છે.