Thursday, July 10, 2025
More

    વાહનો હશે જૂના તો નહીં મળે પેટ્રોલ-ડીઝલ, દિલ્લી સરકારનો મહત્વનો નિર્ણય: વાયુ પ્રદૂષણ પર લાગશે રોક, 1લી જુલાઈથી નિયમ થયો લાગુ

    દિલ્લીમાં (Delhi) વધતાં જતાં વાયુ પ્રદૂષણને રોકવા દિલ્લી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. આજથી (1લી જુલાઈ) દિલ્લીમાં 15 વર્ષ જૂના પેટ્રોલ અને 10 વર્ષ જૂના ડીઝલ વાહનો માટે પેટ્રોલ, ડીઝલ કે સીએનજી ગેસ નહીં મળે. સરકાર દ્વારા બહુ જૂના વાહનો (End-of-Life vehicles) પર રોક લગાવવા અને પ્રદૂષણને રોકવા માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે.

    વાયુ પ્રદૂષણને (Air pollution) નિયંત્રણમાં રાખવા કમિશન ફોર ઈયર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. CAQM દ્વારા શરૂ કરાયેલ આ પહેલમાં હવેથી જે પેટ્રોલ વાહનો 15 વર્ષ કરતાં વધુ જૂના અને જે ડીઝલ વાહનો 10 વર્ષ કરતાં વધુ જૂના હશે, તેમણે હવેથી દિલ્લીના કોઈપણ પેટ્રોલપંપ પરથી પેટ્રોલ કે ડીઝલ આપવામાં આવશે નહીં.

    આ નિયમનું કડકાઇથી પાલન કરાવવા માટે MCD, દિલ્લી પોલીસ અને રાજ્ય પરિવહન વિભાગની ટીમો પેટ્રોલ પંપ પર તૈયાર રહેશે. પ્રતિબંધિત વાહનો દ્વારા આ નિયમના ઉલ્લંઘન પર ફોર-વ્હીલ વાહનચાલકો પાસેથી ₹10,000 તો ટુ-વ્હીલ વાહનચાલકો પાસેથી ₹5000 સુધીનો દંડ લેવામાં આવશે. સરકાર દ્વારા દિલ્લીના ગરૂગ્રામ, ફરીદાબાદ, નોઇડા, સોનિપત, ગાઝિયાબાદ જેવા વિસ્તારોમાં 1 નવેમ્બર 2025થી આ નિયમ સંપૂર્ણપણે લાગુ કરવામાં આવશે. એક અહેવાલ મુજબ આ નિયમથી ખાલી દિલ્લીના જ પેટ્રોલ અને ડીઝલથી ચાલતા અને 10-15 વર્ષ જૂના 62 લાખથી વધુ વાહનો પ્રભાવિત થઈ શકે છે.