Wednesday, February 5, 2025
More

    દિલ્હીમાં અબ કી બાર ડબલ એન્જિન સરકાર….આવું કહે છે એક્ઝિટ પોલ્સ: ભાજપને સ્પષ્ટ બહુમતી મળવાનું અનુમાન, AAP દાયકા પછી ગુમાવી શકે સત્તા, કોંગ્રેસનું પ્રદર્શન યથાવત

    દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર એક તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ હવે એક્ઝિટ પોલ્સનાં અનુમાનો સામે આવી રહ્યાં છે. બહુમતી પોલ્સ અનુમાન લગાવી રહ્યાં છે કે આ વખતે દિલ્હીમાં સત્તાપલટો નિશ્ચિત છે અને એક દાયકા બાદ કમળ ખીલશે. ભાજપને પૂર્ણ બહુમતી મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 

    એક પછી એક એક્ઝિટ પોલ્સ શું કહે છે તેની ઉપર નજર નાખીએ. 

    PMARQના એક્ઝિટ પોલ અનુસાર, ભાજપને 41 બેઠકો મળી શકે છે. જ્યારે આમ આદમી પાર્ટી 29 સુધીમાં સમેટાઈ જશે. કોંગ્રેસનું ખાતું પણ ખુલતું અનુમાનોમાં બતાવવામાં આવ્યું નથી. નોંધવું જોઈએ કે  70 સભ્યોની વિધાનસભામાં બહુમતી માટે 36 બેઠકો જરૂરી છે. 

    ચાણક્ય સ્ટ્રેટેજીઝના એક્ઝિટ પોલ મુજબ, ભાજપને 39થી 44 બેઠકો મળી શકે એમ છે, જ્યારે આમ આદમી પાર્ટીને 25થી 28 બેઠકો મળવાનું અનુમાન છે. કોંગ્રેસ 2થી 3 બેઠકો જીતી શકે. 

    પોલ ડાયરી અનુસાર, ભાજપ 42થી 50 અને AAP 18થી 25 બેઠકો જીતી શકે. કોંગ્રેસનું ખાતું ખુલવાની સંભાવના ઓછી છે. જો ખૂલે તો વધુમાં વધુ 2 બેઠકો સુધી જઈ શકે. 

    સૌજન્ય- news18

    મેટ્રિઝ અનુસાર, ભાજપ 35થી 40 બેઠકો અને AAP 32થી 37 બેઠકો જીતી શકે. આ એકમાત્ર પોલ એવો છે, જેમાં બંને પાર્ટીઓ વચ્ચે કાંટાની ટક્કર દેખાડવામાં આવી છે. જ્યારે બાકીના મોટાભાગનામાં ભાજપની પૂર્ણ બહુમતીથી જીતનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 

    પિપલ્સ પલ્સ એજન્સી અનુસાર, ભાજપ 51થી 60 બેઠકો સુધી જઈ શકે. આમ આદમી પાર્ટી જ્યારે 10-19 વચ્ચે રહી શકે તેવું અનુમાન છે. 

    પિપલ્સ ઇનસાઇટના પોલમાં ભાજપને 40થી 44 બેઠકો મળી શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. AAPને 25થી 29 બેઠકો મળતી બતાવવામાં આવી રહી છે. 

    DV રિસર્ચ અનુસાર, ભાજપ 36થી 44 જ્યારે આમ આદમી પાર્ટીને 26થી 34 બેઠકો મળી શકે. 

    કુલ મળીને તમામ પોલની સરેરાશ કાઢીએ તો ભાજપને 40થી 42 બેઠકો મળવાનું અનુમાન છે. AAPને 25-26 બેઠકો મળવાનું. જો આ જ ચિત્ર પરિણામોમાં જોવા મળે તો દાયકાઓ બાદ ભાજપ રાજધાનીમાં સત્તા પર પરત ફરશે અને આમ આદમી પાર્ટીના એક દાયકા કરતાં વધુના શાસનનો અંત આવશે.  

    જોકે, આ માત્ર એક્ઝિટ પોલ્સ છે. સાચું ચિત્ર 8 ફેબ્રુઆરીએ પરિણામના દિવસે જ જોવા મળશે.