Tuesday, March 25, 2025
More

    દિલ્હી હિંદુવિરોધી રમખાણો કેસના આરોપી ઉમર ખાલિદને 7 દિવસના વચગાળાના જામીન, પરિવારમાં નિકાહનું કારણ આપીને માંગી હતી રાહત

    દિલ્હીમાં વર્ષ 2020માં થયેલાં હિંદુવિરોધી રમખાણોના આરોપી ઉમર ખાલિદને હાઇકોર્ટે વચગાળાના જામીન આપ્યા છે. ખાલિદે તેના પરિવારમાં નિકાહ હોવાનું જણાવીને રાહત માંગી હતી, ત્યારબાદ કોર્ટે 7 દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા. 

    જામીનની શરતો એ છે કે ઉમર ખાલિદ કેસને લગતી વ્યક્તિઓ સાથે કે સાક્ષીઓ સાથે મુલાકાત કરી શકશે નહીં. માત્ર પરિવારના સભ્યો, સંબંધીઓ અને મિત્રોને જ મળી શકશે. તેણે ઘરે અથવા તો જ્યાં નિકાહ થવાના હોય તે સ્થળોએ જ રહેવું પડશે. ઉપરાંત, સોશિયલ મીડિયા વાપરવા પર પણ પાબંદી લગાવવામાં આવી છે.

    3 જાન્યુઆરી, 2025ની સાંજે તેણે જેલ સુપ્રિટેન્ડેન્ટ સામે સરેન્ડર કરવું પડશે.

    નોંધવું જોઈએ કે ડિસેમ્બર, 2022માં પણ ઉમર ખાલિદને કોર્ટે એક અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા હતા. ત્યારે તેની બહેનનાં નિકાહ માટે તેણે રજા માંગી હતી. 

    CAA અને NRCના વિરોધ કરતાં પ્રદર્શનોની આડમાં કાવતરું રચીને રમખાણો કરાવવાના કેસમાં દિલ્હી પોલીસે 2021માં ઉમર ખાલિદની ધરપકડ કરી હતી. ત્યારથી તે જેલમાં બંધ છે. 

    ટ્રાયલ કોર્ટે આ વર્ષે બીજી વખત તેની જામીન અરજી નકારી દીધી હતી. ત્યારબાદ તેણે દિલ્હી હાઇકોર્ટમાં અપીલ કરી, જે હાલ કોર્ટમાં પડતર છે.