દિલ્હીમાં આમ આદમી પાર્ટી અધિકારિક રીતે સત્તાની બહાર થઈ ગઈ છે. વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ મુખ્યમંત્રી આતિશી માર્લેનાએ ઉપરાજ્યપાલને મળીને ત્યાગપત્ર સોંપ્યો હતો. જેની સાથે જ એલજીએ વિધાનસભા ભંગ કરવા માટે સૂચના આપી દીધી છે.
હવે ઉપરાજ્યપાલ ચૂંટણીમાં વિજેતા બનેલી પાર્ટી ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપશે. ભાજપ ધારાસભ્યોની બેઠકમાં નેતા ચૂંટશે, જેમને ઉપરાજ્યપાલ શપથ લેવડાવશે અને તેની સાથે ત્રણ દાયકા બાદ ફરી એક વખત રાજધાનીમાં ભાજપ શાસનનો પ્રારંભ થશે.
આતિશી માર્લેના સપ્ટેમ્બર 2024માં દિલ્હીનાં મુખ્યમંત્રી બન્યાં હતાં. પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દારૂ નીતિ કૌભાંડમાં પકડાયા પછી પણ છ મહિના જેલથી સરકાર ચલાવી હતી. સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા બાદ તેમણે રાજીનામું આપવાની ઘોષણા કરી હતી અને આતિશીને સીએમ બનાવવામાં આવ્યાં હતાં.
જોકે, કેજરીવાલ ચૂંટણી પ્રચાર દરમિયાન કાયમ કહેતા રહેતા હતા કે પરિણામ બાદ તેઓ જ મુખ્યમંત્રી બનશે. (AAP જીતશે તેવો તેમને આત્મવિશ્વાસ હતો, જે અંતે ખોટો સાબિત થયો) આતિશી કામચલાઉ ધોરણે સીએમ બન્યાં છે તેવું જણાવવામાં આવતું રહેતું. પરંતુ હવે થયું એવું કે કેજરીવાલ પોતે પોતાની બેઠક હારી ગયા છે અને આતિશીની જીત થઈ છે.