Sunday, March 23, 2025
More

    પહેલી બેઠક અગાઉ યમુના ઘાટ પહોંચી દિલ્હી સરકારની નવી કેબિનેટ, સીએમ રેખા ગુપ્તા સહિત તમામ મંત્રીઓએ પૂજા-આરતીમાં ભાગ લીધો

    દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કરીને પદભાર સંભાળ્યા બાદ રેખા ગુપ્તા મંત્રીમંડળ સાથે સીધાં યમુના ઘાટ પહોંચ્યાં, જ્યાં તેમણે આરતીમાં ભાગ લીધો અને મા યમુનાની આરાધના કરી. 

    ગુરુવારે (20 ફેબ્રુઆરી) સીએમ ગુપ્તા અને મંત્રીમંડળના અન્ય સભ્યો દિલ્હીના વાસુદેવ ઘાટ પહોંચ્યા હતા. સીએમ સાથે મંત્રીઓ પ્રવેશ વર્મા, આશિષ સૂદ, કપિલ મિશ્રા, મનજિંદર સિરસા, રવિન્દ્ર ઇન્દ્રાજ સિંઘ અને પંકજ કુમાર સિંઘ પણ ઉપસ્થિત રહ્યા. સાથે દિલ્હી ભાજપના અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવા અને અન્ય નેતાઓ પણ જોવા મળ્યા. 

    તમામ નેતાઓએ યમુના આરતીમાં ભાગ લીધો હતો. વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા બાદ પંડિતોએ યમુના આરતી કરી, જેમાં સૌએ ભાગ લીધો. 

    ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં યમુનાની સફાઈનો મુદ્દો ચૂંટણીમાં કેન્દ્રસ્થાને રહ્યો. અતિશય પ્રદૂષિત થઈ ગયેલી શહેરની મધ્યમાંથી પસાર થતી આ નદીને સાફ કરવાનો વાયદો અગાઉના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક દાયકાથી કરતા રહ્યા, પરંતુ જમીન ઉપર કશું કામ ન થયું. આ ચૂંટણીમાં ભાજપે યમુનાની સફાઈનો વાયદો કર્યો હતો. 

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી શાહથી માંડીને ભાજપના અનેક નેતાઓ યમુનાની સફાઈ કરવાની ગેરેન્ટી આપી ચૂક્યા છે. હવે નવી સરકાર બન્યા બાદ મુખ્યમંત્રીએ મંત્રીમંડળ સાથે જઈને એ સંદેશ આપ્યો છે કે આ દિશામાં ઝડપથી કામ શરૂ કરી દેવામાં આવશે.