દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના વિજય બાદ હવે મુખ્યમંત્રી કોણ હશે તેની ચર્ચાઓ ચાલી રહી છે. દરમ્યાન બુધવારે (19 ફેબ્રુઆરી) ભાજપના વિજયી ધારાસભ્યોની એક બેઠક મળશે. આ બેઠકમાં એક નેતા ચૂંટવામાં આવશે, જેઓ રાજ્યના આગામી મુખ્યમંત્રી હશે.
અગાઉ ભાજપ ધારાસભ્યોની બેઠક 17 ફેબ્રુઆરીના રોજ મળવાની હતી, પરંતુ શનિવારે (15 ફેબ્રુઆરી) નવી દિલ્હી રેલવે સ્ટેશન પર મચેલી ભાગદોડની ઘટના બાદ બેઠક મુલતવી રાખવામાં આવી હતી.
ધારાસભ્યોની બેઠકમાં નેતાની ચૂંટણી થયા બાદ નેતા વિધાયક ઉપરાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો રજૂ કરશે. ઉપરાજ્યપાલ ત્યારબાદ તેમને સરકાર રચવા માટે આમંત્રણ આપશે. 20 ફેબ્રુઆરીના રોજ રામલીલા મેદાન ખાતે નવા મુખ્યમંત્રીનો શપથગ્રહણ સમારોહ યોજાશે. દિલ્હીનું મંત્રીમંડળ નાનું જ હોય છે, જેથી મંત્રીઓ પણ સાથે જ શપથ લેશે તેવી શક્યતાઓ નકારી શકાય નહીં.
27 વર્ષ બાદ દિલ્હીમાં શાસન પર પરત ફરેલી ભારતીય જનતા પાર્ટી ભવ્ય રીતે શપથ ગ્રહણ સમારોહ યોજવાની તૈયારીઓ કરી રહી છે. જેમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મંત્રીમંડળના સભ્યો તેમજ તમામ NDAશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ઉપમુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે.