દિલ્હી વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને પરિણામો હવે સ્પષ્ટ થઈ ગયાં છે. માત્ર ઔપચારિકતાઓ બાકી રહી છે. ભારતીય જનતા પાર્ટી ત્રણ દાયકા બહાર રહ્યા બાદ સત્તા પર પરત ફરી રહી છે અને આમ આદમી પાર્ટી એક દાયકા બાદ બહાર જઈ રહી છે.
બપોરે 1 વાગ્યાની સ્થિતિની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી 45 બેઠકો પર આગળ છે અને 2 પર જીત મેળવી ચૂકી છે. કુલ 47 બેઠકો થાય. આમ આદમી પાર્ટી 23 બેઠકો પર આગળ છે, જેમાંથી 2 પર જીત મળી ચૂકી છે.

બહુમતી માટે 36નો આંકડો જરૂરી છે. તમામ બેઠકો પર ગણતરી અડધાથી વધુ રાઉન્ડની થઈ ચૂકી છે. આ સ્થિતિમાં હવે મોટો ઉલટફેર થવો અશક્ય બાબત છે અને ભારતીય જનતા પાર્ટીની જીત પર મહોર લાગી ગઈ છે.
મોટી અગત્યની વાત એ છે કે આમ આદમી પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓ હારી ગયા છે, જેમાં કન્વીનર અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાનો સમાવેશ થાય છે. જોકે, કાલકાજી બેઠક પરથી CM આતિશી માર્લેનાની જીત થઈ છે.