Sunday, March 23, 2025
More

    આજે થંભી જશે દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચારના પડઘમ: ભાજપ-AAP-કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખિયો જંગ, 5 ફેબ્રુઆરીએ છે મતદાન

    5 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી યોજાવાની (Delhi Assembly Elections) છે, તથા આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે, સાંજે 5 વાગ્યે પ્રચાર કરવાનો સમય પૂર્ણ થવાનો છે. ત્યારે દરેક પાર્ટી આજના દિવસમાં પોતાની સંપૂર્ણ શક્તિ લગાવી દેવા માંગે છે. 70 સીટની વિધાનસભા ચૂંટણીમાં કુલ મળીને 699 લોકોએ ઉમેદવારી નોંધાવી છે, તથા 2696 મતદાન મથકો પર 13766 બૂથ ઉભા કરવામાં આવ્યા છે.

    ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા મળીને 5 રેલીઓ કરવાના છે. તથા AAPના અરવિંદ કેજરીવાલ, સંજય સિંઘ અને ભગવંત માન મળીને 3 જાહેર સભાઓ અને 6 રોડ શો કરવાના છે. નોંધનીય છે કે આ ચૂંટણીના પરિણામો 8 ફેબ્રુઆરીએ આવવાના છે.

    અત્યારસુધી પ્રચાર દરમિયાન ઘણી રેલીઓ અને જાહેરસભાઓ થઇ ચૂકી છે જેમાં વિવાદો પણ સર્જાયા છે. આ જ દરમિયાન AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલે હરિયાણા સરકાર પર એવો આરોપ લગાવ્યો હતો કે તે યમુનાના પાણીમાં ઝેર ભેળવી રહી છે, જે મામલે ઘણો વિવાદ થયો હતો અને ચૂંટણી પંચે પણ કેજરીવાલ પાસે આ દાવા કરવાનો જવાબ અને પુરાવા માંગ્યા હતા. આ જ ક્રમમાં હરિયાણાના CM નાયબ સિંઘ સૈની સહિતના પ્રતિષ્ઠિત નેતાઓએ યમુનાના પાણીનું આચમન કર્યું હતું.

    આ સિવાય સતત ત્રીજી વખત AAPના મેનિફેસ્ટોમાં અને કેજરીવાલની 15 ગેરંટીઓમાં યમુનાની સફાઈનો વાયદો હોવાના કારણે ઘણો વિવાદ સર્જાયો હતો તથા કોંગ્રેસ સહિતની પાર્ટીઓએ AAP સુપ્રીમો પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે, જે લોકો કાચના મહેલોમાં રહે છે તેઓ બીજાના દુઃખ જોઈ શકતા નથી. આ ઉપરાંત પ્રચારના સમયગાળામાં જ AAPને મોટો ફટકો પડ્યો હતો. તેના 8 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા હતા.

    આ ઉપરાંત વાલ્મિકી સમાજ અને દલિત મહાપંચાયતના સભ્યોએ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પ્રદર્શન કર્યા હતા દરમિયાન પાર્ટીની વાન સાથે પણ તોડફોડ કરી હતી. સભ્યોનું કહેવું હતું કે, AAPએ તેમના સમાજને ખોટા વચનો આપ્યા છે.