Thursday, May 15, 2025
More

    2022માં MCD જીતેલી AAPને 2025ના મેયર ઇલેકશનમાં ઉમેદવાર ઉતારવાના પણ ફાંફા: આતિશીએ કરી જાહેરાત- નહીં લડીએ ચૂંટણી

    દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને (Delhi Municipal Corporation Elections- MCD Election) લઈને પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના (AAP) નેતા આતિશીએ મોટી જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરી હતી કે આમ આદમી પાર્ટી મેયરની ચૂંટણી નહીં લડે. આ દરમિયાન આતિશીએ (Atishi Marlena) ભાજપ પર અન્ય પક્ષોને તોડવાનો આરોપ લગાવ્યો હતો.

    21 એપ્રિલે આતિશીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાહેરાત કરી હતી. આ મામલે AAPએ એક પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું કે, “આ વખતે MCD મેયરની ચૂંટણીમાં AAP પોતાનો ઉમેદવાર નહીં ઉભા રાખે!” આગળ લખ્યું હતું કે, “ભાજપે અગાઉ પણ MCD ચૂંટણીઓ અટકાવી દીધી હતી. સીમાંકન દરમિયાન વોર્ડ બદલવામાં આવ્યા હતા.”

    આ ઉપરાંત એવો પણ આરોપ લગાવ્યો હતો કે, “સીમાંકન દરમિયાન ભારે અનિયમિતતા અને ભ્રષ્ટાચાર થયો હતો. આમ છતાં, ભાજપ ચૂંટણી હારી ગયું અને AAPએ સરકાર બનાવી. આ પછી પણ, ભાજપના કાઉન્સિલરોએ MCD બેઠકોમાં ઘણું નાટક કર્યું. જે બાદ અમે નિર્ણય લીધો છે કે આ વખતે અમે મેયરની ચૂંટણીમાં અમારા ઉમેદવારને ઉભા રાખીશું નહીં.”

    નોંધનીય છે કે આ પહેલાં વર્ષ 2022માં જ્યારે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ હતી તેમાં AAPની જીત થઈ હતી. ત્યારે હવે AAPએ 2025ની ચૂંટણીમાં ઉમેદવાર ન ઉભો રાખવાની જાહેરાત કરી છે.