મંગળવારે (7 જાન્યુઆરી) તિબેટમાં (Tibet) આવેલા ભયાનક ભૂકંપને (Earthquake) લઈને હવે મૃતકોની સંખ્યા વધી હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, 7.1ની તીવ્રતાના આ ભૂકંપના કારણે હમણાં સુધીમાં 126 લોકોના મોત થયા છે. આ ઉપરાંત 188 લોકો હાલ પણ ઈજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત આ ભૂકંપની અસર ભારત, ભૂટાન અને નેપાળમાં પણ અનુભવાયી હતી. મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકવાની સંભાવના પણ જોવા મળી રહી છે.
એસોસિયેટ પ્રેસ અનુસાર, તિબેટમાં આવેલા ભૂકંપના કારણે 126 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 188 લોકો ઘાયલ છે. ભૂકંપનું કેન્દ્ર તિબેટના ટિંગરી કાઉન્ટીમાં આવેલું છે. આ વિસ્તાર ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટના ટકરાવવાળા ક્ષેત્રમાં સ્થિત છે, જે ભૂકંપ ઉત્પન્ન કરવા માટે પહેલાંથી જ જાણીતું છે. તિબેટમાં આવેલો આ ભૂકંપ પણ તેના કારણે જ આવ્યો હોવાનું સામે આવ્યું છે.
નોંધનીય છે કે, આ ભૂકંપની અસર દિલ્હી-NCR, બિહાર અને પશ્ચિમ બંગાળના કેટલાક ભારતીય વિસ્તારોમાં પણ જોવા મળી હતી. તે સિવાય આસામ જેવા પૂર્વોત્તર રાજ્યો અને ઉત્તર ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળની રાજધાની કાઠમંડુમાં લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા.