ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બ્યૂગલો ફૂંકાઈ ગયા છે. રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાઓમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. અહીં 16મી ફેબ્રુઆરીએ મતદાન હાથ ધરવામાં આવશે અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી પણ હાથ ધરવામાં આવશે. આ વિસ્તારોમાં હમણાંથી જ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે.
મનપા અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની સાથે જ કઠલાલ, ગાંધીનગર અને કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે. જ્યારે બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ પાલિકા અને પંચાયતમાં જે બેઠકો ખાલી પડી છે, ત્યાં પેટાચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી છે.
ખાલી પડેલી બેઠકોમાં મહાનગરપાલિકાની ત્રણ બેઠકો, નગરપાલિકાની 9 બેઠક અને તાલુકા પંચાયતની 91 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. આ ઉપરાંત ચૂંટણીઓ માટે 1 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી નોંધાવવાની રહેશે. જે બાદ ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 4 ફેબ્રુઆરી રહેશે.