Sunday, November 10, 2024
More

    દાહોદ: દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યાના કેસમાં આરોપી પ્રિન્સિપાલ સામે 12 દિવસમાં ચાર્જશીટ દાખલ, ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ આપી જાણકારી

    દાહોદમાં શાળામાં ભણતી બાળકી સાથે પ્રિન્સિપાલ દ્વારા રેપના પ્રયાસ અને ત્યારબાદ હત્યા મામલે ગુજરાત પોલીસે માત્ર 12 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી દીધી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ જાણકારી આપી હતી.

    X પર પોસ્ટ કરતાં હર્ષ સંઘવીએ કહ્યું કે, “દાહોદમાં માસૂમ દીકરી સાથે આચરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં રેકોર્ડબ્રેક 12 દિવસમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ.” તેમણે આગળ જણાવ્યું કે, પોલીસે FSLની મદદથી ગુનાને લગતા તમામ જરૂરી વૈજ્ઞાયિક પુરાવાઓ મેળવીને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી મજબૂત ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 

    ગૃહ રાજ્યમંત્રીના જણાવ્યા અનુસાર, ચાર્જશીટ કુલ 1700 પાનાંની છે, જેમાં 150 જેટલા સાહેદોની તપાસ કરવામાં આવી. આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની પણ નિમણૂક કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. 

    મામલો દાહોદના સિંગવડના તોયણી ગામની પ્રાથમિક શાળાનો છે. અહીં આરોપી પ્રિન્સિપાલ ગોવિંદ નટે બાળકીને ગાડીમાં બેસાડીને દુષ્કર્મના પ્રયાસ કર્યા હોવાનો આરોપ છે. જ્યારે તે સફળ ન થઈ શક્યો તો ગળું દબાવીને હત્યા કરી નાખી હતી અને લાશ શાળા પરિસરમાં જ ફેંકી આવ્યો હતો. પછીથી સમગ્ર મામલો ખૂલ્યો અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી.