Monday, March 24, 2025
More

    ‘આવી ઘટનાઓમાં પોલીસને એનકાઉન્ટર કરવા માટેની છૂટ આપવામાં આવે’: રેપની ઘટનાઓ પર બોલ્યા ડભોઈ MLA શૈલેષ મહેતા

    ગુજરાતમાં તાજેતરમાં સામે આવેલી અમુક રેપની ઘટનાઓ બાદ વડોદરાના ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ આરોપીઓના એનકાઉન્ટરની માંગ કરી છે. 

    તેઓ એક ગરબા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, જ્યાં તેમણે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, “આ ઘટનાઓ બહુ દુઃખદ છે અને ગુજરાત માટે તો અત્યંત દુઃખદ છે. આવી બધી જ ઘટનાઓમાં પરપ્રાંતિયો પકડાયા છે.”

    આગળ તેમણે કહ્યું, “મારા અંગત વિચારો મુજબ તો પોલીસને એનકાઉન્ટર કરવા માટેની છૂટ આપી દેવી જોઈએ. પોલીસની ધાક રહેવી જોઈએ. આ ઘટનાઓમાં એવું સ્થાપિત થઈ રહ્યું છે કે પોલીસની કોઈ બીક નથી રહી. પરંતુ પોલીસે તમામ ઘટનાઓમાં બહુ સુંદર કામગીરી કરી છે.”

    વડોદરામાં 48 કલાકમાં જ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા તેમ કહીને તેમણે ઉમેર્યું કે, સુરતમાં પણ તરત આરોપીઓને પકડી પાડવામાં આવ્યા અને એક આરોપીનું ગભરાઈને મોત થયું છે. મને લાગે છે કે તેનું કર્મ તેને મૃત્યુ તરફ લઈ ગયું છે. પરંતુ આવાનું એનકાઉન્ટર કરતાં પણ ખચકાવું ન જોઈએ અને આપણે સૌએ પોલીસની પડખે ઊભા રહેવું જોઈએ. 

    તેમણે કહ્યું કે આવી ઘટનાઓ વાદ-વિવાદનો વિષય નથી. દીકરીઓ સાથે કોઈ પણ આવું કૃત્ય કરે તેને સાંખી લેવું જોઈએ નહીં.