હાલ ચાલતી FIDE વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ 2024માં ભારતીય ખેલાડી ડી ગુકેશે ઇતિહાસ રચી દીધો છે. તેમણે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનના ચેસ માસ્ટર ડિંગ લિરેનને હરાવીને આ ખિતાબ મેળવ્યો.
આ સાથે ગુકેશે એક વિક્રમ પણ સર્જ્યો છે. તેઓ સૌથી નાની ઉંમરના (18 વર્ષ) ચેસ ચેમ્પિયન બની ગયા છે. વર્લ્ડ ચેમ્પિયન બનનારા તેઓ બીજા ભારતીય બન્યા છે. પહેલી વખત આ વિક્રમ મહાન ચેસ પ્લેયર વિશ્વનાથન આનંદે સર્જ્યો હતો.
🇮🇳 GUKESH D WINS THE 2024 FIDE WORLD CHAMPIONSHIP! 👏 🔥#DingGukesh pic.twitter.com/aFNt2RO3UK
— International Chess Federation (@FIDE_chess) December 12, 2024
ગુકેશે ચીની ખેલાડી લિરેનને 14મી અને અંતિમ મેચમાં હરાવ્યો. 13 મેચ સુધી બંનેનો સ્કોર 6.5-6.5 હતો. આ મેચમાં લાગતું હતું કે ચેમ્પિયનનો નિર્ણય ટાઇબ્રેકમાં થશે અને લિરેને પણ પૂરતા પ્રયાસો કર્યા હતા કે તેઓ મેચને ટાઇબ્રેક સુધી લઈ જાય. પરંતુ ગુકેશની સુઝબુઝપૂર્વકની રમતથી આખરે ભારતની જીત થઈ.
જીત બાદ ગુકેશ ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું કે, “જે સ્થિતિ હતી, તેમાં મને ખરેખર આશા ન હતી કે હું જીતી શકીશ. પણ હું રમતો રહ્યો. પછી મેં ટાઇબ્રેક પર ફોકસ કરવાનું નક્કી કર્યું. પરંતુ મેં જોયું કે લિરેને એક ભૂલ કરી દીધી છે અને મને સમજાયું કે હું મારું સ્વપ્ન સાકાર કરી શકું છું.” તેમણે તેમની ટીમમાં સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.