બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત ‘ફેંગલ’ શનિવારે (30 નવેમ્બર) પુડુચેરી નજીક લેન્ડફોલ કરી શકે તેવી સંભાવના છે. જેને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
IMD અનુસાર, શનિવારે બપોરે વાવાઝોડું પુડુચેરી નજીક પહોંચી શકે છે. 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવતા ચક્રવાતના કારણે ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે. તમિલનાડુ, દક્ષિણ આંધ્રપ્રદેશ, કેરળ અને કર્ણાટકના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાને જોતાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
વાવાઝોડાના કારણે પુડુચેરી, કાંચીપુરમ અને તમિલનાડુના અમુક વિસ્તારોમાં શાળા-કોલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ છે તો માછીમારોને પણ હાલ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
નુકસાન ઓછામાં ઓછું થાય અને આપાતકાલીન પરિસ્થિતિમાં પહોંચી વળાય તે માટે NDRF અને SDRFની ટીમોને પણ તહેનાત રાખવામાં આવી છે. સાથે હેલ્પલાઈન નંબરો પણ જારી કરવામાં આવ્યા છે. પ્રશાસને કાંઠા વિસ્તારોના લોકોને ઘરમાં જ રહેવા માટે અપીલ કરી છે.