Monday, February 3, 2025
More

    પિતાના અંતિમ સંસ્કારને લઈને બે ભાઈઓમાં વિવાદ, શવના બે ટુકડા કરવા સુધી પહોંચી વાત: મધ્યપ્રદેશનો મામલો

    મધ્યપ્રદેશના (Madhya Pradesh) ટીકમગઢ જિલ્લામાંથી આશ્ચર્યચકિત કરી દેય એવો મામલો સામે આવ્યો હતો. 2 ભાઈઓ વચ્ચેનો વિવાદ એટલો બધો વધી ગયો કે એક ભાઈએ તેમના પિતાના શવનો અડધો ભાગ માંગી લીધો હતો. જેના કારણે પોલીસે દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી.

    નોંધનીય છે કે સમગ્ર મામલો 84 વર્ષના ધ્યાન સિંઘ સાથે સંકળાયેલો છે. જે ઘણા સમયથી બિમાર હતા અને તેમના પુત્ર દેશરાજ સાથે રહેતા હતા. ત્યારે 2 ફેબ્રુઆરીના રોજ બીમારીના પગલે તેમનું અવસાન થયું હતું. તેમનો બીજો પુત્ર ગામની બહાર રહેતો હતો જે પિતાના અવસાન પર પરત ફર્યો હતો.

    ધ્યાન સિંઘના મોટા પુત્ર કિશને પરત ફર્યા બાદ એવી જિદ્દ કરી હતી કે તેના પિતાના અંતિમ સંસ્કાર તે કરશે. જોકે દેશરાજના જણાવ્યા અનુસાર તેમના પિતાની ઈચ્છા હતી કે તેમના અંતિમ સંસ્કાર તેમનો નાનો પુત્ર કરે. છેલ્લે જિદ્દમાં આવીને નશાની હાલતમાં કિશને એમ કહી દીધું કે તેમના પિતાના શવને અડધું-અડધું કરીને બંને ભાઈઓને વહેંચવામાં આવે.

    જ્યારે વિવાદ ખૂબ વધી ગયો ત્યારે ગ્રામજનોએ સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કિશનને સમજાવ્યો અને દેશરાજના હાથે અંતિમ સંસ્કાર કરાવડાવ્યા.