Saturday, January 25, 2025
More

    રાજ્યસભામાં કોંગ્રેસની બેન્ચ પરથી મળી આવ્યાં ચલણી નોટોનાં બંડલ, અભિષેક મનુ સિંઘવીને ફાળવવામાં આવી છે સીટ: સભાપતિએ કહ્યું- મામલો ગંભીર, તપાસ થશે

    રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદની બેન્ચ પરથી રોકડા પૈસા મળી આવ્યા હોવાનું બહાર આવતાં નવો વિવાદ સર્જાયો છે. શુક્રવારે (6 ડિસેમ્બર) આ જાણકારી બહાર આવી, ત્યારબાદ સભાપતિ જગદીપ ધનખડે નિયમાનુસાર યોગ્ય કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. બીજી તરફ, ભાજપે સવાલો ઉઠાવ્યા છે. 

    શુક્રવારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થયા બાદ સભાપતિ જગદીપ ધનખડે સાંસદોને સંબોધિત કરતાં જણાવ્યું કે, “ગઈકાલે ગૃહની કાર્યવાહી સ્થગિત થયા બાદ એન્ટી-સૅબોટાજ ચેકિંગ દરમિયાન સુરક્ષાકર્મીઓને સીટ નંબર 222 પરથી ચલણી નોટોની થપ્પી મળી આવી હતી, જે બેઠક હાલ અભિષેક મનુ સિંઘવીને ફાળવવામાં આવી છે, જેઓ તેલંગાણાથી ચૂંટાયા છે.”

    સભાપતિએ આગળ જણાવ્યું કે, “આ મામલો મારા ધ્યાનમાં લાવવામાં આવ્યો છે અને મેં આ મામલે  નિયમાનુસાર યોગ્ય તપાસના આદેશ આપ્યા છે. જે હાલ ચાલી રહી છે.”

    આ મામલે ભાજપ તરફથી પિયુષ ગોયલ, જે. પી નડ્ડા અને કિરણ રિજિજુ વગેરે નેતાઓએ સવાલ ઉઠાવ્યા હતા અને તપાસની માંગ કરી હતી. બીજી તરફ, કોંગ્રેસ તરફથી વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેએ તપાસ વગર આરોપ ન લગાવવા જોઈએ તેમ કહીને પાર્ટીનો બચાવ કરવાના પ્રયાસ કર્યા હતા.