Tuesday, March 18, 2025
More

    સંજૌલી મસ્જિદ વિવાદ મામલે નગર નિગમ કમિશનર કોર્ટે બાકીના 2 માળને લઈને માંગ્યો જવાબ, ઉપરના ત્રણ માળ તોડવાનો આદેશ પહેલાં જ આપી ચૂકી છે કોર્ટ

    હિમાચલ પ્રદેશના શિમલાના સંજૌલીની વિવાદિત મસ્જિદ મામલે શનિવારે (16 નવેમ્બર) નગર નિગમ કમિશનરની કોર્ટમાં સુનાવણી થઈ હતી. દરમ્યાન, કોર્ટે મસ્જિદ સમિતિને નીચેના 2 માળને લઈને પુરાવા રજૂ કરવા માટે અને જવાબ રજૂ કરવા માટે આદેશ આપ્યો છે. 

    નોંધવું જોઈએ કે કોર્ટ પહેલાં જ મસ્જિદના ઉપરના ત્રણ માળને ગેરકાયદેસર ઠેરવીને તેને હટાવવાનો આદેશ આપી ચૂકી છે. 

    આ મામલે એક કેસ જિલ્લા કોર્ટમાં પણ ચાલી રહ્યો છે. જિલ્લા કોર્ટના આદેશ પર નગર નિગમે સંજૌલી મસ્જિદ વિવાદ સાથે જોડાયેલા તમામ રેકર્ડ અને દસ્તાવેજ કોર્ટને જમા કરાવ્યા છે. જેના કારણે નગરનિગમ કમિશનરની કોર્ટમાં દસ્તાવેજો રજૂ ન થઈ શક્યા. 

    કમિશનરની કોર્ટે શનિવારે કહ્યું કે, મસ્જિદ સમિતિ અને વક્ફ બોર્ડને નોટિસ આપીને બે માળને લઈને જવાબ માંગવામાં આવ્યો છે, ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે એક મુસ્લિમ વ્યક્તિએ મસ્જિદના ઉપરના ત્રણ માળ તોડવાના કમિશનર કોર્ટના આદેશને જિલ્લા કોર્ટમાં પડકાર્યો છે, જે મામલે ત્યાં સુનાવણી ચાલી રહી છે.