દિલ્હીના જામિયા નગરમાં પોલીસ ટીમ પર થયેલા હુમલા મામલે દાખલ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા અમાનતુલ્લાહ ખાનને પોલીસ બે દિવસથી શોધી રહી હતી. બીજી તરફ તેઓ આગોતરા જામીનની અરજી લઈને કોર્ટ પહોંચ્યા હતા, જ્યાં કોર્ટે તેમને રાહત આપી છે.
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 24 ફેબ્રુઆરી સુધી અમાનતુલ્લાહ ખાનની ધરપકડ પર રોક લગાવી છે. જોકે કોર્ટે તેમને પોલીસ તપાસમાં સહયોગ આપવા માટે નિર્દેશ આપ્યા છે. બીજી તરફ પોલીસને સૂચના આપવામાં આવી છે કે AAP નેતાની પૂછપરછ થાય ત્યારે તેનું રેકોર્ડિંગ પણ કરવામાં આવે. પોલીસ જામિયા નગર પોલીસ મથકે અમાનતુલ્લાહની પૂછપરછ કરશે.
ઉલ્લેખનીય છે કે આ મામલો સોમવારનો (10 ફેબ્રુઆરી) છે. પોલીસ જામિયા નગરમાં શાવેઝ ખાન નામના એક ઈસમને પકડવા માટે ગઈ હતી. પરંતુ આરોપ છે કે ત્યાં અમાનતુલ્લાહ ખાન અને તેના માણસોએ આવીને પોલીસ સાથે માથાકૂટ શરૂ કરી દીધી હતી અને અરાજકતા સર્જીને તેમને ધમકાવવાના પ્રયાસ કર્યા હતા. ત્યારબાદ પોલીસે AAP નેતા અને અન્યો વિરુદ્ધ FIR દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી.
પોલીસ ખાનને રાજસ્થાન, UP અને દિલ્હી એમ ત્રણ રાજ્યોમાં શોધી રહી હતી પરંતુ અમાનતુલ્લાહ ખાન બહાર આવી રહ્યા ન હતા. આખરે કોર્ટે રાહત આપ્યા બાદ બહાર જોવા મળ્યા.