Tuesday, February 25, 2025
More

    શીખવિરોધી રમખાણોના ગુનેગાર પૂર્વ કોંગ્રેસ સાંસદ સજ્જન કુમારને આજીવન કેદની સજા: જસવંત સિંઘ અને તેમના પુત્ર તરુણદીપને સળગાવાયા હતા જીવતા

    દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 1984ના શીખવિરોધી રમખાણોમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને બીજી વખત આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસ 1 નવેમ્બર 1984ના રોજ દિલ્હીના સરસ્વતી વિહારમાં જસવંત સિંઘ અને તેમના પુત્ર તરુણદીપ સિંઘની હત્યા સાથે સંબંધિત છે. કોર્ટે 12 ફેબ્રુઆરીએ સજ્જનને દોષિત ઠેરવ્યો હતો.

    અહેવાલો અનુસાર, તપાસ ટીમે જણાવ્યું હતું કે, સજ્જને ટોળાંને ઉશ્કેર્યું હતું. જે બાદ ટોળાંએ બંનેને જીવતા સળગાવી દીધા હતા અને તેમના ઘર લૂંટી લીધા હતા. સરકારી વકીલે સજ્જન કુમાર માટે મૃત્યુદંડની માંગણી કરી હતી, પરંતુ સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ સજ્જન કુમારના સ્વાસ્થ્ય અને જેલમાં તેના વર્તનને ધ્યાનમાં રાખીને તેને આજીવન કેદની સજા ફટકારી હતી. સજ્જન હાલમાં તિહાર જેલમાં છે, જ્યાં તે 2018માં પાલમ કોલોનીમાં પાંચ શીખોની હત્યાના કેસ મામલે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.

    ઉલ્લેખનીય છે કે, 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ દેશભરમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. સજ્જન વિરુદ્ધ ઘણા બધા કેસ પેન્ડિંગ છે, જેમાંથી એકમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે કેટલાકમાં અપીલ કોર્ટમાં પેન્ડિંગ છે.