Monday, March 17, 2025
More

    ‘દેશની યુવાશક્તિ વિકસિત ભારતના સ્વપ્નને જરૂર સાકાર કરશે’: PM મોદી, કહ્યું- જેટલો વિશ્વાસ તમારા પર સ્વામી વિવેકાનંદને હતો, તેટલો જ વિશ્વાસ તેમના પર મને છે

    રવિવારે (12 જાન્યુઆરી) દેશભરમાં રાષ્ટ્રીય યુવા દિવસની (National Youth Day) ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત વડાપ્રધાન મોદીએ (PM Modi) પણ ભારત મંડપમ ખાતે ‘વિકસિત ભારત યુવા નેતા સંવાદ’નું આયોજન કર્યું હતું. જેમાં દેશના હજારો યુવાનોએ ભાગ લીધો હતો. યુવાનોને સંબોધિત કરતાં PM મોદીએ સ્વામી વિવેકાનંદને પણ યાદ કર્યા હતા.

    PM મોદીએ સંમેલનને સંબોધિત કરતા કહ્યું કે, “આપણી સામે 25 વર્ષનો અમૃતકાળ છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે, ભારતની યુવાશક્તિ ‘વિકસિત ભારત’ના સ્વપ્નને જરૂર સાકાર કરશે.” તેમણે વધુમાં કહ્યું કે, “સ્વામી વિવેકાનંદજીને દેશના યુવાનો પર ખૂબ વિશ્વાસ હતો. સ્વામીજી કહેતા હતા કે, મારો વિશ્વાસ યુવાપેઢીમાં છે, નવી પેઢીમાં છે. જેવી રીતે સ્વામી વિવેકાનંદજીનો તમારા પર વિશ્વાસ હતો, તેવી જ રીતે મારો વિવેકાનંદજી પર વિશ્વાસ છે. તેમના દ્વારા કહેવાયેલી તમામ વાતો પર મને વિશ્વાસ છે.”

    તેમણે વધુમાં કહ્યું કે, “મેં લાલ કિલ્લા પરથી એક લાખ યુવાનોને રાજકારણમાં લાવવાની વાત કરી હતી. પોતાના સૂચનોને લાગુ કરવા માટે રાજકારણ પણ ખૂબ શાનદાર માધ્યમ બની શકે છે. મને વિશ્વાસ છે કે, તમારામાંથી ઘણા યુવાનો પણ રાજકારણમાં ભાગીદારી માટે જરૂરથી આગળ આવશે.” આ ઉપરાંત તેમણે દેશની આર્થિક સ્થિતિ અને ‘વિકસિત ભારત’ના સ્વપ્નને લઈને અનેક વાતો કહી હતી.