Tuesday, March 18, 2025
More

    નવી દિલ્હી રેલવે સ્ટેશન પર કાઉન્ટર પરથી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ: નાસભાગ બાદ કરાઈ કાર્યવાહી

    નવી દિલ્હી રેલવે સ્ટેશન (New Delhi Railway Station)પર શનિવાર 15 ફેબ્રુઆરીની રાત્રે મચેલી નાસભાગ બાદ પ્રશાસને મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. જે અંતર્ગત નવી દિલ્હી રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટનું (Platform Tickets) કાઉન્ટર વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે.

    અહેવાલ અનુસાર નાસભાગ મચ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પહેલાં દિલ્હી પોલીસે રેલ્વે સ્ટેશન પર ભીડ વ્યવસ્થાપન માટે છ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓને તૈનાત કર્યા હતા. જેમાં એવા અધિકારીઓનો સમાવેશ થતો હતો જેઓ પહેલાં પણ NDLSમાં કામ કરી ચૂક્યા છે, તથા કેટલાક અધિકારીઓ SHO રેન્કના પણ છે.

    નોંધનીય છે કે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર દરભંગા જનારી સ્વતંત્ર સેનાની એક્સપ્રેસમાં જવા માટે સાંજે 4 વાગ્યાથી જ ભીડ જામવાની શરૂઆત થઈ ગઈ હતી. જેમાં બાળકો અને વૃદ્ધોનો પણ સમાવેશ હતો. જ્યાં આ ટ્રેન આવવાની હતી તે પ્લેટફોર્મ નંબર 13-14 પર પગ મૂકવાની પણ જગ્યા નહોતી. આ ટ્રેનમાં બેસીને લોકો પ્રયાગરાજ જવા ઇચ્છતા હતા.

    માત્ર એક જ કલાકમાં લગભગ 1500 જનરલ ટિકિટોનું વેચાણ થયું હતું. જેના પગલે પરિસ્થિતિ સાવ કાબૂની બહાર થઈ હતી, જેના પગલે નાસભાગ મચી હતી. તેથી પ્રશાસને ફરીથી આવી પરિસ્થિતિ અને ભીડ ન ઉભી થાય તે ધ્યાનમાં રાખીને 26 ફેબ્રુઆરી સુધી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરી દીધું છે.