Thursday, April 10, 2025
More

    SSC ભરતી કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ટિપ્પણી મામલે મમતા બેનર્જીને અદાલતની અવમાનનાની નોટિસ

    પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનર્જીને અવમાનનાની નોટિસ મોકલવામાં આવી છે. મામલો SSC ભરતી કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પર સીએમ મમતાએ કરેલી ટિપ્પણીઓનો છે. 

    ગત 3 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટે બંગાળમાં ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફની ભરતીમાં કરવામાં આવેલી કુલ 26000 નિમણૂક રદ કરવાના હાઇકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. આ મામલે પછીથી મમતા બેનર્જીએ એક સંબોધનમાં કોર્ટના આદેશ પર ટિપ્પણી કરી હતી. 

    આ મામલે આત્મદીપ નામના એક NGO તરફથી એડવોકેટ સિદ્ધાર્થ દત્તાએ મમતા બેનર્જીને સુપ્રીમ કોર્ટની અવમાનના કરવાના આરોપસર નોટિસ મોકલાવી છે.

    નોટિસમાં જણાવવામાં આવ્યું કે 8 એપ્રિલના રોજ મમતાએ સંબોધન કરીને સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ટિપ્પણી કરી હતી. તેમણે આ નોકરીઓ રદ કરવાની સત્તા પર પ્રશ્ન ઉઠાવ્યા હતા અને એમ પણ કહ્યું હતું કે જેમને અસર થઈ છે તેમને ફરીથી ફરજ પર બહાલ કરવા માટે તેમની પાસે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે અને આ તમામેને નોકરી ચાલુ રાખવા પર જણાવ્યું હતું. નોટિસમાં આ બાબતોને કોર્ટની અવમાનના કહેવામાં આવી છે. 

    સીએમ મમતાએ કહ્યું હતું, “કોઈની નોકરી લેવાનો અધિકાર કોની પાસે છે? કોઈની પાસે નહીં. આપણી પાસે પ્લાન A પણ છે, B પણ, C પણ, D પણ અને E પણ. આ કહેવા બદલ તમે મને જેલમાં પણ નાખી શકો, પણ મને તેની પરવા નથી. તમે તમારું કામ કરો. તમને તમારું કામ કરવાથી કોઈ રોકી રહ્યું નથી. સુપ્રીમ કોર્ટ, યાદ રાખો કે કોઈ પણ વિકલ્પ હશે, અમે તેનો ઉપયોગ કરીશું.” સંબોધનમાં તેમણે એમ પણ કહ્યું હતું કે નિમણૂક રદ કરવી એ શિક્ષણ વ્યવસ્થાને નષ્ટ કરવાના કાવતરાનો એક ભાગ હતી. 

    નોટિસમાં માંગ કરવામાં આવી છે કે મમતા બેનર્જી આ પ્રકારે કોર્ટની અવમાનના કરતાં નિવેદનો આપવાનું તાત્કાલિક બંધ કરે અને સુપ્રીમ કોર્ટની બિનશરતી માફી માંગે.