Sunday, February 2, 2025
More

    પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી નાસભાગને લઈને શોધવામાં આવી રહ્યો છે કાવતરાનો એંગલ: યુપી STF કરી રહી છે તપાસ

    પ્રયાગરાજ (Prayagraj) મહાકુંભમાં (Mahakumbh) મૌની અમાવસ્યાના દિવસે થયેલી નાસભાગને લઈને હવે તપાસ તેજ કરવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે, યુપી STFએ આ ઘટનામાં કાવતરાનો એંગલ શોધવા માટે તપાસ હાથ ધરી છે. તે જાણવાના પ્રયાસો થઈ રહ્યા છે કે, મહાકુંભમાં નાસભાગ કોઈ કાવતરાના ભાગરૂપે કરવામાં આવી હતી કે કેમ. તપાસ હેઠળ યુપી STF સંગમ આસપાસ સક્રિય મોબાઈલ નંબરોના ડેટા સ્કેન કરી રહી છે.

    અહેવાલ અનુસાર, 16 હજારથી વધુ મોબાઈલ નંબર ડેટાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્યાર સુધીની તપાસમાં ઘટના બાદ ઘણા મોબાઈલ નંબર સ્વિચ ઓફ આવી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે જ એવું પણ કહેવાય રહ્યું છે કે, મહાકુંભ ક્ષેત્રમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સીસીટીવીઆથી ફેસ રેકગ્નિશન એપ દ્વારા શકમંદોની ઓળખ કરવામાં આવી રહી છે.

    બીજી તરફ વસંત પંચમીના સ્નાનને લઈને યુપી પોલીસ હાઇ એલર્ટ પર છે. યુપી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ આખી રાત મહાકુંભ અને પ્રયાગરાજમાં ફિલ્ડ પર સક્રિય કામગીરી હાથ ધરશે. વસંત પંચમીના દિવસે પણ અમૃત સ્નાન કરવા માટે અનેક શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. આ સાથે જ પોલીસ પ્રશાસન પણ સક્રિય ભૂમિકા નિભાવી રહ્યું છે.