Saturday, July 12, 2025
More

    ઈંટ, પ્લાસ્ટર અને કાચની દીવાલ…: હાર પચાવી ના શકતા કોંગ્રેસના રમેશ ચાવડા થયા ધૂઆપૂંવા, કહ્યું- મારી હાર શક્ય જ નહોતી… DJવાળાને કહીને આવ્યો હતો…

    લોકસભા હોય, વિધાનસભા હોય કે પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી… કોંગ્રેસ પાર્ટી ચૂંટણી હારે એટલે હારની જવાબદારી સ્વીકારવાના બદલે પોતાની હારનું ઠીકરું બીજાના માથે જ ફોડતી હોય છે. ત્યારે 19મી જૂન 2025ના રોજ યોજાયેલી કડી અને વિસાવદર વિધાનસભાની ચૂંટણીનું આજે (23 જૂન) પરિણામ આવ્યું. પરિણામ જાહેર થાય એ પહેલા જ પોતાની હાર ભાળી ગયેલા કડીના કોંગ્રેસના (Congress) ઉમેદવાર રમેશ ચાવડા (Ramesh Chavda) ધૂઆપૂંવા થઇ ગયા હતા, અને રોદણાં રડવાનું ચાલુ કરી દીધું હતું.

    કોંગ્રેસ ઉમેદવાર રમેશ ચાવડાએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, “મારી હાર શક્ય જ નહોતી, હું તો DJ વાળાને અને બધાને કહીને આવ્યો હતો કે બધા આવી જજો. આપણે જીતવાના જ છે.” આ ઓછું હોય એમ, એમણે ચૂંટણી પંચ ઉપર આરોપ લગાવતા કહ્યું કે, “આ બધું સુનિયોજિત કાવતરું છે. જ્યાં EVM મુકેલા છે ત્યાં કાચીની બારીઓ છે, અને એની પાછળ ઈંટ, રેતી અને કપચીની બનેલી કાચી દીવાલ છે. જેથી એમાં ગાબડું પાડી કોઈપણ ગેરરીતી કરી શકાય છે.”

    જોકે આવા ધડ-માથા વગરના દાવા કરનાર કોંગ્રેસ ઉમેદવાર રમેશ ચાવડાને પરિણામને અંતે 60290 મત મળ્યા હતા. જ્યારેં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો 99742 જેટલા જંગી મતો સાથે વિજય થયો છે. કડી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશભાઈ ચાવડાને ફક્ત 3090 મત જ મળ્યા હતા. આ ચૂંટણીમાં 1701 જેટલા મત નોટામાં (NOTA) પડ્યા હતા.