19 જૂનના રોજ યોજાયેલી કડી અને વિસાવદર વિધાનસભાની ચૂંટણીના પરિણામો સોમવારે (23 જૂન) જાહેર થઈ ચૂક્યા છે. પરિણામોમાં કડીમાં ભારતીય જનતા પાર્ટીના રાજેન્દ્ર ચાવડાનો તો વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો વિજય થયો છે. જયારે આ બધામાં ભારતની સૌથી જુની પાર્ટી કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. બંને જગ્યાએ પરાજય મળ્યા બાદ કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે હારની જવાબદારી સ્વીકારતા પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ પાર્ટી શક્તિસિંહ ગોહિલની જગ્યા પર નવા અધ્યક્ષની નિમણુંક કરે ત્યાં સુધી આ જવાબદારી દાણીલીમડાના શૈલેષ પરમારને સોપવામાં આવી છે.
રાજીનામું આપ્યા પછી શક્તિસિંહ ગોહિલે નિવેદન આપતા કહ્યું કે, તેઓ કોંગ્રેસનાં સિપાહી છે. આજે તેમણે કડી અને વિસાવદરમાં સફળતા મળી નથી. જેથી તેઓ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી રહ્યા છે. તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે, રાહુલ ગાંધી જેવા નેતાઓનો આભાર માન્યો હતો. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓ હંમેશા કોંગેસના કાર્યકર તરીકે કામ કરતા રહેશે.