Tuesday, February 4, 2025
More

    કોંગ્રેસને ફરી યાદ આવ્યું સેક્યુલરિઝમ…પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટના સમર્થનમાં પહોંચી સુપ્રીમ કોર્ટ, પક્ષકાર બનવાની માંગ સાથે અરજી

    પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ એક અરજી દાખલ કરીને પક્ષકાર બનવાની માંગ કરી છે. 

    પાર્ટી મહાસચિવ કેસી વેણુગોપાલ દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં કોંગ્રેસે પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ, 1991નું સમર્થન કરીને ભાજપ નેતા અશ્વિની કુમાર ઉપાધ્યાયે કાયદો રદ કરવાની માંગ સાથે દાખલ કરેલી PILનો વિરોધ કર્યો છે. 

    કોંગ્રેસનું કહેવું છે કે, આ કાયદાનો કડકપણે અમલ કરવામાં આવવો જોઈએ અને તેઓ તેના સમર્થનમાં છે. પાર્ટીએ એમ પણ કહ્યું કે, જો કાયદામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવે કે ઊલટાવવામાં આવે તો ભારતના સાંપ્રદાયિક સૌહાર્દ, સેક્યુલર ફેબ્રિક અને અખંડિતતા સામે જોખમ ઊભું થશે. 

    કોંગ્રેસે કહ્યું કે, પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ જ આ કાયદો બનાવીને પસાર કર્યો છે, જેથી તેમને મામલામાં પક્ષકાર બનાવીને કાયદાનું સમર્થન કરવાની તક આપવામાં આવશે. કોંગ્રેસે POWAને સાંપ્રદાયિક સૌહાર્દ જાળવતો કાયદો ગણાવ્યો છે. 

    હવે ફેબ્રુઆરીમાં સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે આ અરજી સ્વીકારવી કે નહીં. જો સ્વીકારી લેવામાં આવે તો કોંગ્રેસ પણ પક્ષકાર બનશે.