Sunday, March 23, 2025
More

    દિલ્હીમાં કોંગ્રેસના 70માંથી 67 ઉમેદવારોની ડિપોઇટ ગઈ, વૉટ મળ્યા માત્ર 6%: સતત ત્રીજી ચૂંટણીમાં ન ખુલ્યું ખાતું

    દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સૌથી ખરાબ હાલત કોંગ્રેસની થઈ છે. પાર્ટી આ વખતે પણ એક પણ બેઠક જીતી શકી નથી. જોકે હવે કોંગ્રેસનું આવું પ્રદર્શન સામાન્ય થતું જાય છે, કારણ કે આ ત્રીજી દિલ્હીની ચૂંટણી છે, જેમાં પાર્ટીનું ખાતું ખુલ્યું નથી. 

    દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસનો વૉટશેર માત્ર 6.34% રહ્યો. જોકે ગત વર્ષ કરતાં આ આંકડો થોડો વધુ છે. 2020માં માત્ર 4% મત મળ્યા હતા. 

    બીજી તરફ, પાર્ટીએ 70 ઉમેદવારો ઊભા રાખ્યા હતા, તેમાંથી 67 પોતાની ડિપોઝિટ ગુમાવી ચૂક્યા છે. ચૂંટણીમાં જ્યારે કોઈ ઉમેદવાર માન્ય મતોના છઠ્ઠા ભાગના મતો પણ ન મેળવી શકે ત્યારે ડિપોઝિટ જમા કરી લેવામાં આવતી હોય છે. 

    જે ત્રણ ઉમેદવારોએ ડિપોઝિટ બચાવી છે તેમાંથી 2 એવા ઉમેદવારો છે, જેઓ ગત ચૂંટણીમાં પણ ડિપોઝિટ બચાવી લાવ્યા હતા. 

    દિલ્હી ચૂંટણીમાં પાર્ટીના શીર્ષ નેતૃત્વએ પણ સારો એવો પ્રચાર કર્યો હતો, પરંતુ તેનો લેશમાત્ર ફેર ન પડ્યો. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે વગેરે નેતાઓ પ્રચારમાં ઉતર્યા હતા, પરંતુ પરિણામો જોઈને લાગે છે કે લોકોએ તેમની વાતો કાને ધરી નથી. 

    દિલ્હી વિધાનસભા ચૂંટણીનાં પરિણામોની વાત કરવામાં આવે તો ભાજપે 48 બેઠકો સાથે ત્રણ દાયકા બાદ સત્તા પર વાપસી કરી છે. આમ આદમી પાર્ટી 22 બેઠકો સાથે હવે વિપક્ષમાં બેસશે. AAPના કન્વીનર કેજરીવાલ સહિત મોટાભાગના દિગ્ગજો આ ચૂંટણીમાં ઘરભેગા થઈ ગયા છે.