વર્ષ 1984નાં શીખવિરોધી રમખાણો સાથે સંકળાયેલા એક કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને 40 વર્ષ બાદ કોર્ટે દોષી ઠેરવ્યા છે. દિલ્હીની રૉઝ એવન્યુ કોર્ટે બુધવારે (12 ફેબ્રુઆરી) ચુકાદો આપ્યો. હવે 18 ફેબ્રુઆરીના રોજ આગામી સુનાવણી દરમિયાન સજાને લઈને ચર્ચા થશે.
કેસ 1 નવેમ્બર, 1984ના રોજ દિલ્હીના સરસ્વતી વિહાર વિસ્તારમાં એક શીખ પિતા અને પુત્રની થયેલી હત્યા સાથે સંબંધિત છે. સજ્જન કુમાર પર હત્યારી ભીડનું નેતૃત્વ કરવાનો આરોપ હતો, જે આખરે કોર્ટની કાર્યવાહીમાં સિદ્ધ થયો.
મૃતક જસવંત સિંઘ અને તેમના પુત્ર તરુણદીપ સિંઘની હત્યા બાદ પંજાબી બાગ પોલીસ મથકે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એક SITની રચના કરવામાં આવી હતી. કેસ છેક ચાળીસ વર્ષ સુધી ચાલ્યો. 2021માં કોર્ટે સજ્જન કુમાર વિરુદ્ધ આરોપો ઘડ્યા હતા અને પ્રથમ દૃષ્ટિએ મામલો સુનાવણીયોગ્ય ઠેરવ્યો હતો. જોકે હાલ સજ્જન કુમાર અન્ય એક કેસમાં આજીવન કેદની સજા કાપી રહ્યા છે.
ટ્રાયલ બાદ કોર્ટે આખરે તેમને દોષી ઠેરવ્યા. ચાળીસ વર્ષ બાદ શીખ પરિવારને ન્યાય મળ્યો.