Monday, March 17, 2025
More

    ‘મહાકુંભ બીમારીઓને આમંત્રણ, ગંદકી ફેલાય છે’: કોંગ્રેસી નેતા હુસૈને ફેલાવી હિંદુઘૃણા, કહ્યું- કુંભમાં હજ અને ઉમરાહ જેવી હોવી જોઈએ વ્યવસ્થા

    એક તરફ ઉત્તર પ્રદેશમાં તીર્થરાજ પ્રયાગ ખાતે મહાપર્વ મહાકુંભ ચાલી રહ્યો છે, તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટી ફરી એક વાર સનાતન પ્રત્યે ઘૃણાને લઈને ચર્ચામાં આવી છે. વાસ્તવમાં કોંગ્રેસી નેતા હુસૈન દલવઈએ મહાકુંભને બીમારી ફેલાવતો અને ‘ગંદો-અસ્વચ્છ’ કહીને હજ-ઉમરાહની વ્યવસ્થા તેના કરતા સારી હોવાનું કહ્યું છે. તેમનું આ નિવેદન હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે.

    કોંગ્રેસી નેતા હુસૈન દલવઈએ ન્યૂઝ એજન્સી IANS સાથે વાત કરતા કહ્યું કે, “મહાકુંભમાં લાખો લોકો એક સાથે સ્નાન કરી રહ્યા છે. તેમાંથી કેટલાક રોગીઓ પણ હશે કે, જેમને ગંભીર બીમારીઓ હશે અને તેઓ સ્વસ્થ લોકો સાથે સ્નાન કરી રહ્યા છે. આ કારણે રોગચાળો ફાટી નીકળશે અને આ રોગચાળાને સીધું આમંત્રણ છે. અહીં ગંદકી પણ ખૂબ જ છે અને લોકોના રહેવાની પણ વ્યવસ્થા સરખી નથી. મારા ખ્યાલથી આમ તો ગંદકી અને રોગચાળો ફેલાઈ જશે.”

    તેમણે કહ્યું કે, “કુંભ મેળામાં જઈને સ્નાન કરીને લોકો સ્વચ્છ થઈ જશે, પવિત્ર થઇ જશે તેવી તેમની ધારણા છે. હું બે વાર હજ પર જઈ આવ્યો છું, ઉમરાહ પણ કરેલું છે. ત્યાં પણ લાખો લોકો આવે છે, પરંતુ ત્યાની વ્યવસ્થા સાવ જુદી હોય છે. બધું સ્વચ્છ હોય છે. હજ જેવી વ્યવસ્થા કુંભમાં પણ હોવી જોઈએ. હજમાં આખી દુનિયાથી લાખો લોકો આવે છે, પણ જરા પણ અવ્યવસ્થા નથી સર્જાતી. કુંભ મેળો કરવો હોય તો એવો કરો ને, જેમાં હજ અને ઉમરાહ જેવી વ્યવસ્થાઓ હોય છે.”

    આ સાથે તેમણે એમ કહ્યું હતું કે, તેઓ કુંભનો વિરોધ નથી કરી રહ્યા પરંતુ તેઓ એમ કહી રહ્યા છે કે, જો આયોજન કરવું જ હોય તો વ્યવસ્થિત રીતે કરવા આવે. ગંગામાં સ્નાન કરીને લોકો તેને દુષિત કરી રહ્યા છે. લોકો જ્યાં રહી રહ્યા છે ત્યાં ગંદકી થઈ રહી હશે તેવું પણ આ કોંગ્રેસી નેતાનું કહેવું છે. હાલ સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર તેમનું આ નિવેદન વાયરલ થઇ રહ્યું છે.