Tuesday, July 15, 2025
More

    ભરૂચ: મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવાની ધરપકડ, ₹7.3 કરોડની ઉચાપતનો આરોપ; પુત્રની પણ પૂછપરછ

    ભરૂચ જિલ્લામાં ₹7.3 કરોડના મનરેગા કૌભાંડ મામલે પોલીસે કોંગ્રેસ ઉપાધ્યક્ષ હીરા જોટવાની ધરપકડ કરી લીધી છે. આ મામલે ગીર સોમનાથની બે એજન્સીઓ સામે એક મહિના પહેલાં FIR દાખલ કરવામાં આવી હતી. 

    ભરૂચ પોલીસે જણાવ્યું કે જોટવા બંને ફર્મમાં પાર્ટનર હતા અને મનરેગા યોજનાના ફંડનો સીધો ઉપયોગ કર્યો હતો. પોલીસે કહ્યું કે, તેઓ મની ટ્રેઇલની તપાસ કરી રહ્યા છે અને પૈસા કઈ રીતે, ક્યાં વપરાયા હતા તે બાબતે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. જોટવાને ગુરુવારે (26 જૂન) ભરૂચ લાવીને ધરપકડ કરવામાં આવી હતી. 

    આ કેસમાં હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવાની પણ અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હોવાના અહેવાલ છે. દિગ્વિજયની હાલમાં જ યોજાયેલી સરપંચની ચૂંટણીમાં જીત થઈ હતી. તેઓ સુપાસીના સરપંચ બન્યા છે.

    આ મામલે આસિસ્ટન્ટ મનરેગા અકાઉન્ટ ઓફિસર પી. યુ ચૌધરી દ્વારા FIR દાખલ કરાવવામાં આવી હતી. આરોપી તરીકે વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝનાં નામો હતાં. FIRમાં જણાવવામાં આવ્યું કે, આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકાઓમાં મનરેગા પ્રોજેક્ટ્સમાં ગેરરીતિ આચરવામાં આવી હતી. બંને એજન્સીઓ પર ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન કરીને બિલ પાસ કરવાનો આરોપ છે. 

    હીરા જોટવા કોંગ્રેસના નેતા છે. 2024ની લોકસભા ચૂંટણીમાં જૂનાગઢથી ઉમેદવારી કરી હતી, પરંતુ પરાજય થયો હતો. કોંગ્રેસમાં અનેક હોદ્દાઓ પર ફરજ નિભાવી ચૂક્યા છે. હાલ પ્રદેશ ઉપાધ્યક્ષ છે.