Tuesday, June 24, 2025
More

    ‘1971ના સંજોગો જુદા હતા, 2025ના જુદા છે’: શશિ થરૂરે ફરી એક વખત કોંગ્રેસીઓથી અલગ સ્ટેન્ડ લીધું, યુદ્ધવિરામ પર કર્યું સરકારનું સમર્થન

    ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ ઘોષિત થયા બાદ કોંગ્રેસ નેતા શશિ થરૂરે એક નિવેદન આપ્યું છે. તેમણે સરકારના નિર્ણયનું સમર્થન કર્યું અને કહ્યું કે સમય પ્રમાણે જે કરવાનું હતું એ સરકારે કર્યું હતું. તેમણે આડકતરી રીતે પીએમ મોદીને નીચા બતાવવા માટે ઇન્દિરા ગાંધીનું મહિમામંડન કરતા કોંગ્રેસીઓથી વિપરીત વલણ દાખવીને કહ્યું કે, ત્યારની પરિસ્થિતિઓ અને 2025ની પરિસ્થિતિઓ જુદી છે. 

    શશિ થરૂરે કહ્યું, “આપણે એ તબક્ક પર પહોંચી ગયા હતા કે જ્યાં પરિસ્થિતિઓ પર નિયંત્રણ રહી શકે એમ ન હતું. શાંતિ જરૂરી છે. હકીકત એ પણ છે કે 1971ના સંજોગો અને 2025ના સંજોગો તદ્દન જુદા છે. હું એમ નથી કહેતો કે આપણે કાયમ યુદ્ધ ટાળવા પર જ જવું જોઈએ, પણ આ એ યુદ્ધ ન હતું, જેને આપણે ચાલુ રાખવા માંગતા હતા.”

    તેમણે આગળ કહ્યું, “આપણે માત્ર આતંકવાદીઓને પાઠ ભણાવવા માંગતા હતા. એ પાઠ ભણાવી દેવામાં આવ્યો. મને વિશ્વાસ છે કે સરકાર આગળ પણ કામ ચાલુ રાખશે અને પહલગામના આતંકવાદી હુમલાને જેમણે અંજામ આપ્યો હતો એ આતંકવાદીઓને પણ શોધી કાઢવામાં આવશે.”

    કોંગ્રેસ નેતાએ એમ પણ કહ્યું કે, આતંકવાદ વિરુદ્ધ ભારતનું વલણ બદલાશે નહીં અને પહલગામના આતંકવાદીઓ જ્યાં હશે ત્યાંથી શોધી કાઢીને તેમને ન્યાયનો સામનો કરવા સુધી લાવવા જોઈએ. પરંતુ આ કામ એક-બે દિવસોમાં થઈ શકે તેમ નથી, તેના માટે મહિનાઓ કે વર્ષો લાગી શકે. અંતે કહ્યું કે, આપણે આતંકવાદ સામે આ જે રીતે લડવું જોઈએ, પણ તેનો અર્થ એ નથી કે આખા દેશને યુદ્ધ હેઠળ ધકેલી દઈએ. હું શાંતિના પક્ષમાં છું, પણ આતંકવાદીઓને બક્ષવા જોઈએ નહીં.