ભરૂચમાં ₹7.3 કરોડના મનરેગા કૌભાંડ કેસમાં પકડાયેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવાને કોર્ટે 6 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યા હતા.
હીરા જોટવાની ધરપકડ ગુરુવારે કરવામાં આવી હતી. થોડા કલાકો બાદ તેમના પુત્રની પણ અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી. ત્યારબાદ તેને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. બંને પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવ્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા. હવે બંનેની પૂછપરછ કરવામાં આવશે. 6 દિવસ બાદ ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આ મામલે ભરૂચમાં એક મહિના પહેલાં FIR દાખલ કરવામાં આવી હતી. ભરૂચના જંબુસર, આમોદ અને હાંસોટ તાલુકાઓમાં મનરેગા પ્રોજેક્ટ્સની રકમમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સામે આવતાં ગીર સોમનાથની બે એજન્સીઓ સામે ગુનો નોંધાયો હતો. પછીથી જાણવા મળ્યું કે હીરા જોટવા પણ આ ફર્મમાં ભાગીદારી ધરાવે છે. એજન્સીઓ પર ખોટાં બિલ રજૂ કરીને ઉચાપત કરવાનો આરોપ છે.
ભરૂચ પોલીસ અનુસાર કોંગ્રેસ નેતાની આ ફર્મમાં ભાગીદારી તો હતી જ, પરંતુ તેમને સરકારી ભંડોળનો પણ સીધો લાભ પહોંહાડવામાં આવ્યો હતો. આ મામલે ટેકનિકલ આસિસ્ટન્ટ રમેશ ટેલરની પણ ધરપકડ કરવામાં આવી છે, જેણે ખોટાં બિલો મૂકીને ફ્રોડ કરવામાં મદદ કરી હતી.