બેંગ્લોરમાં થયેલી નાસભાગને લઈને કર્ણાટક સરકારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ઇન્ડિયન ક્રિકેટ કંટ્રોલ બોર્ડને (BCCI) જવાબદાર ઠેરવ્યા છે. સરકારે કોર્ટને જણાવ્યું છે કે, આયોજકોએ ‘આખી દુનિયાને’ને કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. સોશિયલ મીડિયા પર આયોજકોએ બધા RCB ચાહકોને આમંત્રણ આપ્યું હતું.
બુધવારે (11જૂન 2025) હાઇકોર્ટે RCBના માર્કેટિંગ હેડ નિખિલ સોસલે અને અન્ય ચારની ધરપકડને ગેરકાયદેસર ગણાવતી અરજી પર સુનાવણી કરી. આ દરમિયાન કર્ણાટક સરકારે કહ્યું કે, ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આયોજિત RCBની જીતની ઉજવણી માટે ‘વિક્ટરી પરેડ’ યોજવા માટે પરવાનગી લેવામાં આવી ન હતી.
સરકાર વતી હાજર રહેલા એડવોકેટ જનરલ શશિ કિરણ શેટ્ટીએ જણાવ્યું હતું કે, ફાઇનલ મેચ 03 જૂન 2025ના રોજ રમાઈ હતી. તેના એક કલાક પહેલાં આયોજકોએ વહીવટીતંત્રને એક પત્ર આપ્યો હતો, જેમાં ફક્ત કાર્યક્રમ વિશે માહિતી હતી, પરવાનગી નહીં. શેટ્ટીએ કહ્યું હતું કે ગેટ મેનેજમેન્ટ, ટિકિટિંગ અને સુરક્ષા અંગે RCB અને BCCI વચ્ચે કરાર થયો હતો. આ મુજબ, ભીડને સંભાળવાની જવાબદારી ક્રિકેટ બોર્ડની હતી.
નોંધનીય છે કે, મંગળવારે (10 જૂન 2025) હાઇકોર્ટે નિખિલ સોસલેને વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. અગાઉ, RCBએ કોર્ટને જણાવ્યું હતું કે, સીએમ સિદ્ધારમૈયાએ ભીડ બોલાવી હતી.