કોંગ્રેસે દર વખતની જેમ આ વખતે પણ ચીન મામલે ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સેમ પિત્રોડાએ આપેલા નિવેદનથી પોતાને અલગ કરતા કહી દીધું કે, આ પાર્ટીના વિચાર નથી. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોમવારે (17 ફેબ્રુઆરી) X પર પોસ્ટ કરીને કહ્યું કે, સેમ પિત્રોડાએ ચીન મામલે જે વિચારો વ્યક્ત કર્યા છે, તે કોંગ્રેસના વિચારો નથી.
કોંગ્રેસ તરફથી આ સ્પષ્ટતા સેમ પિત્રોડાના નિવેદન પર આવી છે. સેમ પિત્રોડાએ ચીન મુદ્દે નિવેદન આપતા સુફિયાણી સલાહ આપી હતી કે, ‘ચીન આપણો દુશ્મન નથી. તેની તરફથી શું જોખમ છે, તે હું સમજી શકતો નથી.’ આ સાથે જ તેમણે કહ્યું હતું કે, આ મુદ્દાને ઘણીવાર અતિશયોક્તિપૂર્વક ઉછળવામાં આવે છે.
જયરામ રમેશે સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું છે કે, “સેમ પિત્રોડાએ ચીન પર વ્યક્ત કરેલા વિચારો ચોક્કસપણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વિચારો નથી. આપની વિદેશનીતિ, બાહ્ય સુરક્ષા અને આર્થિક ક્ષેત્ર માટે ચીન સૌથી મોટો પડકાર છે.” આ સાથે જ તેમણે મોદી સરકાર પર સવાલો ઉઠાવવાના પણ શરૂ કરી દીધા હતા.