Sunday, March 16, 2025
More

    પહેલા લંડનમાં થવા દીધો ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરની ગાડી પર ખાલિસ્તાનીઓનો હુમલો, ચારે બાજુ થૂ-થૂ થતા UKએ કહ્યું- આ તદ્દન અસ્વીકાર્ય

    ગુરુવાર, 6 માર્ચના રોજ વિદેશ મંત્રી એસ જયશંકર (External Affairs Minister S Jaishankar) લંડનમાં (London) ચેથમ હાઉસ ખાતે એક મીટિંગમાંથી બહાર નીકળ્યા ત્યારે ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ (Khalistani radicals) તેમને ઘેરી લીધા અને હુમલો કર્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં, એક વ્યક્તિ લંડન પોલીસ અધિકારીઓની સામે ભારતીય રાષ્ટ્રધ્વજ ફાડી નાખતો જોવા મળ્યો હતો અને જયશંકરની કાર તરફ દોડતો હતો અને ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવતો હતો.

    જોકે, અધિકારીઓએ તેના આ કૃત્યનો કોઈ જવાબ આપ્યો ન હતો. થોડા સમય માટે અટકાયતમાં રાખ્યા બાદ, ખાલિસ્તાની વ્યક્તિને છોડી દેવામાં આવ્યો હોવાના અહેવાલ છે. ખાલિસ્તાની આતંકવાદીને ભારતીય ધ્વજનું અપમાન કરવાની અને ભારતીય વિદેશ મંત્રી પર શારીરિક હુમલો કરવા આટલી નજીક આવવાનું શક્ય બનવા દેવા બાદ, યુનાઇટેડ કિંગડમના અધિકારીઓએ કહ્યું કે તેમણે જે વર્તન થવા દીધું તે ‘અસ્વીકાર્ય’ (completely unacceptable) હતું.

    ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસના (FCDO) પ્રવક્તાએ જણાવ્યું હતું કે જાહેર કાર્યક્રમોને ‘ધમકાવવા, ડરાવવા અથવા વિક્ષેપિત કરવાના’ આવા પ્રયાસો ‘સંપૂર્ણપણે અસ્વીકાર્ય’ છે. જોકે, તેમણે પોલીસ અધિકારીઓ દ્વારા ચૂપચાપ ઊભા રહીને ખાલિસ્તાની કટ્ટરપંથીઓને છૂટછાટ આપવા અંગે કોઈ ટિપ્પણી કરી ન હતી.

    અગાઉ, ભારતે લંડનમાં ચેથમ હાઉસની બહાર સુરક્ષા ભંગની કડક નિંદા કરી હતી અને કહ્યું હતું કે તે યુકે સરકાર પાસેથી ‘તેની રાજદ્વારી જવાબદારીઓનું પાલન’ કરવાની અપેક્ષા રાખે છે.