Tuesday, March 18, 2025
More

    ‘માતા-પિતા વચ્ચે સેક્સ…’: રણવીર અલ્હાબાદિયા સહિતના ‘કોમેડિયન્સ’ વિરુદ્ધ મંત્રાલયથી લઈને પોલીસ સુધીની ફરિયાદ, CM ફડણવીસની ચેતવણી; માંગી માફી

    પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયા (Ranveer Allahabadia) અને સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈના વિરુદ્ધ માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં તેમજ મુંબઈમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ સમય રૈનાની (Samay Raina) યુટ્યુબ ચેનલ પર ચાલી રહેલા શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં (India’s Got Latent) કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીઓ મામલે નોંધાવવામાં આવી છે.

    નોંધનીય છે કે આ ફરિયાદ ‘હિંદુ આઈટી સેલ’ નામની સંસ્થાએ નોંધાવી છે. આ શોમાં, દેશના પ્રખ્યાત યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાએ એક સ્પર્ધકને તેના માતાપિતાના સેક્સ અંગેનો પ્રશ્ન પૂછી લીધો હતો. તેનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા તેના પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ લાગી રહ્યો છે.

    આ મામલે માહિતી એવં પ્રસારણ મંત્રાયલ, મુંબઈ પોલીસ કમિશ્નર એ મહારાષ્ટ્ર મહિલા આયોગમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તથા આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. અલ્હાબાદિયાની સાથે, સોશિયલ મીડિયા પ્રભાવક અપૂર્વ માખીજા, સમય રૈના અને ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટના આયોજકો સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

    નોંધનીય છે આ અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “મને પણ આ વાતની જાણ થઈ છે. જોકે મેં તે શો જોયો નથી. મારા ધ્યાનમાં આવ્યું છે કે શોમાં અપમાનજનક અને અશ્લીલ ટિપ્પણીઓ કરવામાં આવી હતી. વાણી સ્વાતંત્ર્ય છે, પરંતુ જ્યારે કોઈ તેને હળવાશથી લે છે અને તેનો દુરુપયોગ કરે છે ત્યારે આ સ્વતંત્રતા અવરોધાય છે. વાણી સ્વાતંત્ર્યની પણ એક મર્યાદા હોય છે. આપણા સમાજમાં પણ કેટલાક નિયમો છે. જો આવું કંઈક થયું હશે તો ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે.”

    એકદમ તાજી જાણકરી મુજબ અલ્હાબાદિયાએ એક વિડીયો બહાર પાડીને બિનશરતી માફી માંગી છે અને માન્યું છે કે તેની ટિપ્પણીઓ તદ્દન અયોગ્ય હતી.