બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર મચેલી ભાગદોડ મામલે ક્રિકેટર વિરાટ કોહલી સામે પણ ગુનો દાખલ કરવાની માંગ સાથે એક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ફરિયાદ એક સામાજિક કાર્યકર્તા દ્વારા દાખલ કરવામાં આવી હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. ઉપરાંત તે એ જ પોલીસ મથકમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં 11 લોકોનાં મોત બાદ એક FIR દાખલ કરવામાં આવી હતી. FIRમાં RCB, કર્ણાટક ક્રિકેટ એસોશિએશન અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીનાં નામ છે.
ફરિયાદમાં ફરિયાદીએ આરોપ લગાવ્યો કે, IPL એ કોઈ રમત નહીં પરંતુ એક સટ્ટો છે, જેમાં ક્રિકેટનો સહારો લેવામાં આવે છે. આગળ કહ્યું કે, RCBના વિરાટ કોહલી આવા સટ્ટામાં ભાગ લેનારાઓમાંથી એક છે જેમણે લોકોને એક ઠેકાણે એકઠા થવા માટે ઉશ્કેર્યા હતા અને. ત્યારબાદ ઘટના બની ગઈ. તેમણે ફરિયાદમાં વિરાટ કોહલી અને ટીમના અન્ય સભ્યોને પણ આરોપી બનાવવા માટે માંગ કરી છે.
પોલીસે જોકે હજુ સુધી આ ફરિયાદ પર કોઈ FIR દાખલ કરી નથી અને જણાવ્યું છે કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.