Sunday, February 2, 2025
More

    ‘સર્વોચ્ચ પદનું અપમાન, દાખલ કરવામાં આવે FIR’: રાષ્ટ્રપતિ વિશે ટિપ્પણી બદલ સોનિયા ગાંધી વિરુદ્ધ બિહારમાં ફરિયાદ

    પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધી વિરુદ્ધ બિહારના મુજફ્ફરપુરની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કારણ છે તાજેતરની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વિરુદ્ધ તેમની ટિપ્પણી. 

    31 જાન્યુઆરીએ સંસદના બજેટ સત્રના આરંભે રાષ્ટ્રપતિએ પરંપરાગત રીતે અભિભાષણ કર્યું હતું. આ ભાષણ બાદ બહાર આવીને સોનિયા ગાંધીએ ટિપ્પણી કરતાં રાષ્ટ્રપતિને ‘પુઅર થિંગ’ કહીને સંબોધિત કર્યાં હતાં. રાહુલ ગાંધીએ પણ તેમના ભાષણને ‘બોરિંગ’ ગણાવ્યું હતું. 

    આ મામલે સોનિયા ગાંધી વિરુદ્ધ દેશની સર્વોચ્ચ બંધારણીય ઓથોરિટીનું અપમાન કરવા બદલ FIR દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. ફરિયાદ સુધીર ઓઝા નામના એક મુજફ્ફરપુરના વકીલે દાખલ કરી છે. ફરિયાદમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનાં પણ નામ જોડવામાં આવ્યાં છે. આ મામલે 10 ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. 

    ઉલ્લેખનીય છે કે આ મામલે રાષ્ટ્રપતિ ભવન પણ પ્રતિક્રિયા આપી ચૂક્યું છે. ભવન તરફથી એક પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવવામાં આવ્યું હતું કે, આ રાષ્ટ્રપતિનું અપમાન છે અને ટિપ્પણીઓ દુર્ભાગ્યપૂર્ણ છે. પીએમ મોદીએ પણ પછીથી ગાંધી પરિવાર પર રાષ્ટ્રપતિનું અપમાન કરવાના આરોપ લગાવ્યા હતા.